SURAT

સુરત એરપોર્ટ પર અકસ્માત: રનવે પર પ્લેનને પેસેન્જર સીડીની ટક્કર લાગી, પાંખ તુટી ગઈ

સુરત: શુક્રવારે રાત્રે સુરત એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. નવી દિલ્હીથી રાત્રે સુરત એરપોર્ટ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટની પેસેન્જરોને ઉતારવામાં આવતી સીડી સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરના લીધે ફ્લાઈટની વિંગ્સને મોટું નુકસાન થયું હતું, તેના પગલે વિમાનને સુરત એરપોર્ટ પર જ ગ્રાઉન્ડેડ કરી દેવાયું હતું. તેની ઉડાન અટકાવી દેવાઈ હતી. આ સાથે જ એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરત-બેંગ્લોરની ફ્લાઈટને આકસ્મિક સંજોગોને પગલે રદ કરવાની જાહેરાત કરી હતી. પેસેન્જરોને રિફંડ અથવા બીજા દિવસની ફ્લાઈટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એરપોર્ટ પર સીઆરજે અને એટીઆર કક્ષાના 72થી 78 સીટર વિમાનના પેસેન્જરને વિમાનમાં ઉતારવા તેમજ ચઢાવવા માટે મેન્યુઅલ સીડીનો ઉપયોગ થાય છે. વિમાન આવે ત્યારે આ સીડી વિમાનની નજીક લઈ જવામાં આવે છે, પરંતુ શુક્રવારે રાત્રે આ સીડીના લીધે અકસ્માત સર્જાયો હતો.

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દિલ્હીથી સુરત આવ્યા બાદ એપ્રન પર પાર્ક હતી અને ત્યાર બાદ તે બેંગ્લુરુ જવા તૈયાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ પર ઉભેલા વિમાનની નજીકથી વાહન દ્વારા ટો કરાઈ રહેલી સીડી અથડાઈ હતી. સીડી વિમાનની પાંખ સાથે અથડાઈ હતી. તેના લીધે વિમાનની પાંખને નુકસાનથયું હતું.

આ ઘટના સંદર્ભે એરપોર્ટ ઓથોરિટી ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને જાણ કરાઈ છે. એવિએશન તરફથી ઈન્ક્વાયરીના આદેશ છોડાયા છે. બીજી તરફ વિમાનને રિપરિંગ માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે.

આ અકસ્માત દરમિયાન ફ્લાઈટ બેંગ્લોર માટે ઉપડી રહી નહીં હોવાથી અંદર બેઠેલાં પેસેન્જરો અકળાયા હતા. જોકે, એરલાઈન્સે અકસ્માત અંગે જાણ કરતા પેસેન્જરો શાંત પડ્યા હતા. એરલાઈન્સ તરફથી રિફંડ અથવા બીજા દિવસની ફ્લાઈટનો વિકલ્પ પેસેન્જરોને આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top