Columns

વપરાશ જરૂરી છે

એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકરે થોડી જુદી અને આશ્ચર્ય જનક વાત કરી કે, ‘જીવનમાં બધું બચાવીને અને સાચવીને રાખવાની જરૂર નથી તમારી પાસે જે હોય તેને વાપરતા રહો…!!!’ આ સાંભળી બધા શ્રોતાજનોને નવાઈ લાગી કે આમ તો બધા બચતનું મહત્વ સમજાવે છે …જે હોય તેને સાચવીને વાપરવાની સલાહ આપે છે …પણ આ સ્પીકર કેમ આવી વાત કરે છે.’ શ્રોતાજ્નના મનની વાત સમજી ગયા હોય તેમ સ્પીકર બોલ્યા, ‘મારું વાક્ય સાંભળીને તમને નવાઈ લાગે છે ખરું ને!!?? અત્યાર સુધી બધે સાંભળેલી વાત કરતા મારી વાત અલગ છે અને કદાચ તમને અત્યારે ખોટી પણ લગાતી હશે કે આપણી પાસે જે હોય તે વાપરી ન નખાય ભવિષ્ય માટે સાચવવું જોઈએ અને વપરાશ ઓછો કરીને બચત કરવી જોઈએ.

પરંતુ મારી આગળની વાત અને દ્રષ્ટાંત સાંભળીને તમે બધા થોડીવારમાં મારી વાત સમજી જશો અને સહમત થઇ જશો કે આપણી પાસે જે હોય તેનો વપરાશ જરૂરી છે. કારણ કે જેમ જેમ સમય પસાર થાય છે નવી નવી શોધો થાય છે તેમ તેમ જૂની વસ્તુઓનું મુલ્ય ઘટતું જાય છે.સૌથી પહેલા બધાને બચાવવી બહુ ગમે તેવી વસ્તુ લઈએ તે છે પૈસા …પૈસા મહત્વના છે પણ કયારે જયારે તે વાપરવામાં આવે છે.જે પૈસા વાપરવામાં આવતા નથી તેનો કોઈ ઉપયોગ નથી અને સમય જતા તેની કિંમત ઘટે છે.તમને થશે કે બચત કરીને સાચવીએ તો પણ દિવસે દિવસે વ્યાજની આવક ઘટે છે એટલે બચાવેલા પૈસાની કિંમત પણ ઘટે જ છે……માટે પાસે પૈસા હોય તો સારી જગ્યાએ અને સારીરીતે વાપરતા રહો.પોતાનું જીવન સુખમય બનાવો અને શક્ય હોય તો બીજાના આંસુ લુછવા પૈસા વાપરો.’

સ્પીકરની વાત સાંભળી બધાને થયું કે આ રીતે તો આપણે વિચાર્યું જ નથી.સ્પીકર આગળ બોલ્યા, ‘ચાલો બીજું ઉદાહરણ આપું તે છે આવડત …કોઇપણ કળા કે કારીગીરીની આવડત અને જણકારી હોય પણ જો તેનો ઉપયોગ ન કરીએ તો તે ઘટતી જાય છે જો આવડતનો સતત વપરાશ કરીએ તો તેમાં વધુ ને વધુ નીખાર આવે છે.આગળ વિચાર કરો આપના મગજ અને ફેક્ટરીની મશીનરીનો ….જેમ ફેકટરીમાં મશીન વપરાશમાં ન લઈએ તો તેને કાટ લાગી જાય અને તે ખરાબ થી જાય તેવું જ આપના મગજનું છે જો તેની પાસેથી કામ ના લીએ તો મગજ પણ નબળું પડતું જાય છે.આગળ વાત કરું વિદ્યા અને જાણકારીની તે તો જેટલી આપો એટલી વધે છે. હવે વાત કરું સૌથી કિંમતી વસ્તુની સમય જો તેનો વપરાશ ન કરો તો તે સમય નષ્ટ થઈ જાય છે.સારા કામમાં અને સારી રીતે સમયનો સદુપયોગ કરવો જરૂરી છે.હવે આ વાત સાંભળી તમે મારી સાથે ચોક્કસ સંમત થશો કે આપની પાસે જે કઈ પણ છે સમય, પૈસા,આવડત,વિદ્યા જાણકારી જો તેનો આપને યોગ્ય વપરાશ નહિ કરીએ તો તે આપણે ધીમે ધીમે ખોઈ બેસીએ છીએ.માટે પાસે જે છે તેનો સતત વપરાશ કરતા રહેવું જરૂરી છે.’ શ્રોતાજનોએ તાળીઓથી સ્પીકરની વાત વધાવી લીધી.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top