Charchapatra

ભૂલ સ્વીકારો અને માફી માંગો

ઘરમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો.નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભીનું અપમાન કર્યું.ઝઘડો વધી ગયો.બધાને ખબર હતી કે નાના દીકરાની ભૂલ છે,તેની ભૂલ બતાવવાની જરૂર હતી. ભાભીએ ભૂલ બતાવી તો દિયરનો ઈગો હર્ટ થઇ ગયો અને તે જેમ તેમ બોલવા માંડ્યો એટલે મોટા ભાઈએ તેને ચૂપ રહેવા કહ્યું અને ઝઘડો વધી પડ્યો અને બંને વચ્ચે અબોલા થઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. ઘરનું વાતાવરણ એકદમ ભારેખમ જ રહેતું. કોઈ કોઈ જોડે વાત કરતું નહિ.પપ્પાએ નાના દીકરાને મોટા ભાઈ ભાભીની માફી માંગવા કહ્યું પણ નાના દીકરાએ ઈગોને કારણે ઘસીને ના પાડી દીધી.

હવે વડીલ દાદા વચ્ચે બોલ્યા, કડક શબ્દોમાં દાદાએ કહ્યું, ‘ભાઈ, તું જે કરે છે તે બરાબર નથી કરતો. તને ખબર છે કે તારી ભૂલ હતી, ભાભીએ તે દેખાડી તેમાં તું ગુસ્સે થયો અને ઝઘડો થયો. અત્યારે પણ તું જાણે છે કે ભૂલ તારી છે અને તારે માફી માંગવી જોઈએ પણ તારો કારણ વિનાનો ઈગો તને માફી માંગતા અટકાવે છે એટલે તું બહાનાં કાઢે છે,ગુસ્સો કરે છે, પણ યાદ રાખજે, આ તારી જીવનની મોટામાં મોટી ભૂલ હશે.તું હજી માફી નહિ માંગે તો બધાના મનની કડવાશ વધતી જશે અને લોકો દૂર થઈ જશે. સબંધ તૂટી જશે.

કદાચ છેલ્લે તારી પાસે તારા ઈગો સિવાય કંઈ નહિ બચે, સમજ્યો.’ મમ્મીએ કહ્યું, ‘પપ્પાજી, તમે રાત્રે બંને બેસાડીને સમજાવજો કે તમે બે ભાઈઓ છો. બધું ભૂલી જાવ અને આગળ વધો.’ પણ દાદા બોલ્યા, ‘ના વહુ, એમ ન હોય, જેની ભૂલ હોય તેણે સ્વીકારવી તો જોઈએ જ. નાનો દીકરો હવે ઢીલો પડ્યો. તે બોલ્યો, ‘હું શું કરું દાદાજી,એટલું બધું ન બોલવાનું બોલ્યો છું કે મોટાભાઈ સામે જવાની હિંમત જ નથી થતી.શું તેઓ મને માફ કરશે?’

દાદા બોલ્યા, ‘જો ભાઈ ભૂલ કરી છે તો તે સ્વીકારવાની હિંમત પણ દેખાડવી પડશે.આજે નહિ જીવનમાં જ્યારે પણ ભૂલ થાય ત્યારે પોતાની ભૂલ તો સ્વીકારવી જ પડે, અઘરું છે,ઈગો બાજુમાં મૂકીને ભૂલ સ્વીકારી માફી માંગવા માટે પણ હિંમત જોઇશે પણ જો આ હિંમત નહિ રાખે તો જીવનમાં તારે હંમેશા પસ્તાવાનો વારો આવશે.ઈગો છોડ.ભૂલ સ્વીકાર.માફી માંગ.માફી ન મળે તો જ્યાં સુધી માફી ન મળે ત્યાં સુધી માફી માંગતો રહેજે.’ નાના ભાઈએ મોટા ભાઈની માફી માંગી અને મોટા ભાઈએ તેને ગળે લગાડી લીધો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top