Comments

સ્વીકારો કે દેશમાં વ્યાપક સ્તરની પરિવર્તક શાસન પ્રણાલી વડા પ્રધાન મોદીએ સ્થાપી છે

દરેક વ્યકિત અને સમાજ પોતાના સમયથી કયાં વધુ પડતો નારાજ અથવા વધુ પડતો આત્મવિશ્વાસી હોય છે. પોતે કોઇ મહાન ઇતિહાસનો ભાગ હોય એવું ય અનુભવતો હોય છે. ‘મેરા દેશ મહાન’ જેવો નારો તેમના માટે જ છે. પણ આ બધી માનવીય અવસ્થાથી પાર થઇ એક સ્વસ્થ મૂલ્યાંકન પણ જરૂરી છે. હા, આપણા દેશના વડા પ્રધાન બધું ‘ડંકેકી ચોટપે’ બોલવાના મિજાજના છે અને ઘણાએ તેમને અપનાવી પણ લીધા છે. પણ જયારે ભરતી હોય ત્યારે દરિયાને માપવો નહીં. ભ્રામક સત્યો તો ભ્રામક જ હોવાનાં અને તેને સ્વીકારીને ચાલનારી પ્રજા છેવટે પોતાને ઊંડી ગર્તામાં હોમી દે છે. લોકશાહી દેશના નાગરિક હોવામાં જવાબદારી હોય છે.

– અને મતલબ એ પણ નથી કે આપણે દેશમાં જે સારું બની રહ્યું છે તેના પ્રત્યે નકારાત્મક જ રહીએ. દરેક શાસકની પોતાની એક કાર્યપ્રણાલી હોય છે. વડા પ્રધાન મોદી એકચક્રી શાસનમાં માને છે અને તેમાં તેમને કોઇની ય દખલ મંજૂર નથી. આમ કરી તેઓ જે કાંઇ સફળતા અને નિષ્ફળતાનાં પણ જવાબદાર બને છે. હા, જે નિષ્ફળતા પ્રાપ્ત થાય તેને તેઓ જાહેરમાં કદી સ્વીકારતા નથી. પોતાના માટે ઊભા કરેલા વિરાટ નાયકત્વની છબીમાં તેઓ જાતે જ છિદ્ર તો ન જ પાડે. તેઓ લોકશાહી દેશના વડા તરીકે જ વર્તતા નથી કારણકે ૧૯૪૭ અને ૧૯૫૦ પછી લોકશાહીનું જે સ્વરૂપ માન્ય  રખાયું તેને દરેક સરકારોએ પોતાની રીતે પોતાની સગવડ અને ક્ષમતા મુજબ જ અપનાવ્યું છે.

દરેક સરકાર પોતાની રીતની જ શાસન પ્રણાલી ઊભી કરતી હોય છે અને કહેવું જોઇએ કે વડા પ્રધાન મોદી શાસન પ્રણાલીના સમગ્ર માળખામાંથી પોતાને જે યોગ્ય લાગે છે તેટલા માળખા પર પ્રચંડ નિયંત્રણ ધરાવે છે. વડા પ્રધાન મોદીથી દરેક વિપક્ષ હંમેશા અકડાયેલો રહે છે ને તેમાંનો મોટો વર્ગ સમાધાન માટે પણ એવો જ તત્પર રહે છે. આ વૃત્તિ સૂચવે છે કે વિપક્ષો પોતાના સિધ્ધાંતો બાબતે નૈતિક રીતે નબળા પડી ગયા છે. બીજી મહત્ત્વની બાબત એ કે આજે ભાજપ સિવાય કોઇને રાષ્ટ્રીય સ્તરનો પક્ષ કહી શકો તેમ નથી.

કોંગ્રેસ પાસે માળખું રાષ્ટ્રીય પક્ષનું છે પણ આવા પક્ષના સંચાલનની ક્ષમતા નથી. આના માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જ આરોપી ઠરાવવા પડશે. અત્યારની ‘ભારત જોડો’ યાત્રા ભાવનાત્મક સ્તરની છે. આ સિવાય અનેક સ્તરે લડવાની ક્ષમતા રાહુલમાં નથી અને તેઓ પોતાના જ પક્ષના સમર્થ નેતાઓને સહન કરી શકતા નથી એટલે અનેક નેતાઓ પક્ષબહાર થઇ ગયા છે. કુટુંબનું વર્ચસ જાળવવા સોનિયા અને રાહુલે આખા પક્ષને ડૂબાડયો છે. કોંગ્રેસનો ઇતિહાસ તેમને માફ ન કરી શકે.

આજે એક વાત જરૂર કહી શકાય કે સ્વતંત્રતાપ્રાપ્તિ પછીની આ પ્રથમ એવી સંપૂર્ણ નિયંત્રણવાળી સરકાર છે જે કોંગ્રેસના અભિગમથી ભિન્ન છે. તેની રાષ્ટ્રીય વિકાસની પરિકલ્પના જુદી છે. એ યોગ્ય છે કે અયોગ્ય તે તો ઇતિહાસના પ્રલંબ પટ પર જ ચકાસી શકાશે. પણ ઇન્દિરા ગાંધીની વિદાય બાદ રાષ્ટ્રીય સ્તરનું નેતૃત્વ કોઇ પક્ષ પૂરું પાડી શકયું નથી. શાસન દરમ્યાન થોડું સારું – થોડું ખરાબ બનવાનું હોય છે ને તેમાં તે વખતનાં રાજકીય પરિબળો પણ જવાબદાર હોય છે પણ પક્ષ સંચાલનની ક્ષમતા દરેક પક્ષમાં ખૂટવા માંડી હતી અને તેનો સૌથી મોટો લાભ વડા પ્રધાન મોદીને થયો છે.

વાજપેયી – અડવાણીની ભાજપને કેન્દ્રમાં મજબૂત બનાવવા બાબતે પ્રચંડ ભૂમિકા છે પણ તેની શાસકીય સજજતાનો તબકકો મોદી વડે સિધ્ધ થયો છે.વડા પ્રધાન મોદીમાં ઘમંડ છે? હા, છે. તેમને ઇતિહાસમૂર્તિ તરીકે સ્થપાવું છે? હા, છે. તેઓ જે પગલાં ભરે તે ‘ઐતિહાસિક’ છે એવો દેખાવ અને પ્રચાર હંમેશા કરે છે અને તેથી જ તેમને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું મૂર્તિખંડન કરવું છે. તેઓ લાલબહાદુર શાસ્ત્રીથી માંડી ઇન્દિરા ગાંધીની કયારેય ટીકા નથી કરતા. મોદી પોતાના વિઝન પર નિયંત્રણ ધરાવે છે. તેમનાં લક્ષ્યો બહુ સ્પષ્ટ છે અને વ્યાપક રીતનું પરિવર્તન ઇચ્છનારા શાસક આ રીતનાં જ હોવાના. ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ સૂત્ર એક સમયે પ્રચલિત બનેલું એ સૂત્ર વધારે તો નરેન્દ્ર મોદી સંદર્ભે લાગુ કરી શકો, એટલી ક્ષમતાની તેઓ કામ કરે છે.

તેમાં અનેક મર્યાદા છે અને સાથે જ જે બની રહ્યું છે તેનો પણ સ્વીકાર કરવો પડે. જે તે ઉદ્યોગપતિઓને તેઓ પોષે છે અમુકને બચાવે છે તેના કિસ્સા વારંવાર ચર્ચીને જે કામ થતું હોય તેને ન જોયું પણ ન કરી શકો.  તેમના સમયમાં પત્રકારત્વ કરોડરજજુ વિનાનું બનાવી દેવાયું છે પણ પ્રજા તરીકે તેની કોઇને પડી નથી અને પત્રકારો સ્વયં પણ ભ્રષ્ટ અને સમાધાનવાદી થઇ ગયા છે તેનો પણ સ્વીકાર કરવો જોઇએ.

મોદીના સમયમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર નિયંત્રણ આવ્યું છે. કાશ્મીરમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે ને આવી રહ્યું છે. દક્ષિણનાં રાજયો પણ રાષ્ટ્રીય પ્રવાહમાં ભળી રહ્યાં છે એવું નોંધી શકાશે. શાસકીય વ્યવસ્થા ‘બાજારુ’ નિયમોને વશવર્તીને આગળ વધી રહી છે તે આઘાતક છે પણ રેલવે અને સડકમાં નવાં પરિવર્તન આવ્યાં છે. સ્ટાર્ટઅપ પ્રોગ્રામના કારણે વ્યાપાર – ઉદ્યોગ ક્ષેત્રે નવી હવા પ્રવર્તી રહી છે. વૈશ્વિક રાજકારણમાં પણ ભારતનું મહત્ત્વ સ્વીકારાવું પડયું છે. અલબત્ત, વૈશ્વિક સ્તરે હવે મહાન નેતાઓનો અભાવ છે અને વૈશ્વિકીકરણે શાસનની  પ્રણાલીઓ બદલવા માંડી છે. એ પણ સમજવું રહ્યું. દેશમાં કેટલાંક ક્ષેત્રે ખૂબ સારું કામ થઇ રહ્યું છે ને કેટલાક ક્ષેત્રે માત્ર નીચાઇ જોવાઇ રહી છે.

અત્યારે રાષ્ટ્રીય સ્તરે મોટા વિઝનરી નેતા ન હોવાનું દુ:ખ લોકશાહી દેશના નાગરિકોને હોવું ઘટે. રામમનોહર લોહિયા, એમ.એન.રોય, જયપ્રકાશ નારાયણ વગેરે આઝાદી પછીના રાજકારણનું પૃથકકરણ  કરી વિકલ્પો મૂકવાની સજજતા ધરાવતા હતા, એવા નેતા હવે નથી. વડા પ્રધાન મોદી માટે આ સારી સ્થિતિ હોઇ શકે, દેશ માટે નહીં. પણ તેથી કાંઇ મોટી રાષ્ટ્રીય પ્રતિભા જન્મી ન શકે. વડા પ્રધાન મોદી રાષ્ટ્રીય સ્તરે જે કાંઇ કરી રહ્યા છે એના લાંબા ગાળાનાં પરિણામ પછી મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે. તેઓ અનેક કાયદા અને પ્રણાલીમાં ફેરફાર લાવી રહ્યા છે અને હા. તેમની મદદમાં હવે ટેકનોલોજી પણ છે જે ઝડપભેર પરિણામ લાવી શકે છે અને આ બધું પછી પણ કહેવાનું થશે કે નહેરુ કે ઇન્દિરા પણ આ દેશના અંતિમ નહોતા તેમ મોદી પણ અંતિમ નથી.

ભારતમાં તેઓ મોટી પરિવર્તક શકિત તરીકે ઉભર્યા છે અને વિત્યા ત્રણેક દાયકાના રાષ્ટ્રીય રાજકારણમાં તેમના જેવા કોઇ નેતા ઉભર્યા નહોતા તેનો વાસ્તવદર્શી સ્વીકાર થવો જોઇએ. મોદીને તેમના વિરોધીઓ સરમુખત્યાર માને ત્યારે પણ ભૂલ કરે છે. દરેકની પોતાની પેટર્ન હોય છે. હા, બધા મહત્ત્વના બધાં સૂત્રો પોતાના હાથમાં રાખી તેમણે શાસન કરવું છે પણ વિત્યા દાયકાઓનું રાજકીય નેતૃત્વ એટલું તો મર્યાદિત રાજકીય ક્ષમતા સાથેની સત્તાકાંક્ષાવાળું રહ્યું છે કે જો ભાજપ કે અન્ય પક્ષોના નેતા રાજકીય શરણાર્થી જેવા લાગે તો વાંક કોનો? વડા પ્રધાનનાં શાસન અને કાર્યપ્રણાલી વડે જે પરિણામ આવી રહ્યાં છે તેનાં મૂલ્યાંકન માટે ઉતાવળ કરવી યોગ્ય નથી. રાહ જુઓ. બહુ હકારાત્મક કે બહુ નકારાત્મક થયા વિના.
– બકુલ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top