Columns

બદલાવ સ્વીકારો

એક દિવસ ગુરુજીએ અચાનક જ કોઈને કંઈ પણ કહ્યા વિના આશ્રમની વ્યવસ્થામાં અનેક બદલાવ કર્યા.બધી જ વ્યવસ્થા અને તેના વ્યવસ્થાપક બદલી નાખવામાં આવ્યા.પ્રાર્થનાસ્થળ અને પ્રવચનખંડ પણ બદલાવી નાખવામાં આવ્યા. બધા શિષ્યોની કુટીર અને તેમને સોંપેલી ફરજો પણ બદલી નાખવામાં આવી. ગુરુજીએ આશ્રમના દરેક સ્થળમાં બદલાવ કરી નાખ્યા, એટલે સુધી કે બગીચાના છોડ પણ બદલીને નવા વાવવામાં આવ્યા. જૂના છોડ બીજે રોપવામાં આવ્યા.બધું જ બદલવામાં આવ્યું.ઘણાને આ બદલાવ ગમ્યા. કૈંક નવો અનુભવ થશે તેમ લા

ગ્યું; તો ઘણાને આ બદલાવ ન ગમ્યા અને ઘણાએ તેને ગુરુજીની આજ્ઞા માની સ્વીકારી લીધા તો ઘણાએ ધીમો વિરોધ અને નારાજી પણ નોંધાવી.

ગુરુજી આ બધું થશે તે જાણતા જ હતા.તેમણે બીજે દિવસે જાણે બધાના મનની વાત જાણી ગયા હોય તેમ પ્રવચનમાં કહ્યું, ‘મને ખબર છે તમારામાંથી ઘણા આશ્રમમાં આવેલા બદલાવથી ખુશ છે અને ઘણાને તે બિલકુલ ગમ્યા નથી.પણ તમે બધા એ તો જાણતા જ હશો કે પરિવર્તન દુનિયાનો નિયમ છે અને આપણે દરેક બદલાવ અને પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ.દરેક બદલાવ પાછળ કોઈ કારણ હોય છે.કોઈ પરિસ્થિતિ હોય છે.કોઈ અનુભવનો નિચોડ હોય છે,તો કોઈ ભૂલનું ફળ,તો કોઈ નવી શોધ કે નવો વિચાર અને આ દરેક નાના મોટા બદલાવનો સ્વીકાર તમારે જીવનમાં દરેક ડગલે ને પગલે કરવો પડશે.તમે મનથી સ્વીકારો કે ન સ્વીકારો, બદલાવ તો થશે જ. માટે દરેક પરિવર્તનને એક નવીન પડકાર અને નવા આયામ તરીકે સ્વીકારી લેવાની કેળવણી પણ મારે તમને આપવી જોઈએ.હવે આગળ વાત કરીએ કે દરેક બદલાવને સ્વીકારવાની તૈયારી કઈ રીતે કરવી.કોઈ પણ સંજોગમાં અને પરિસ્થિતિમાં કયારેક આપણા કારણે કે ક્યારેક અન્ય કારણોસર બદલાવ આવે છે.

જયારે બદલાવ આવે તેની પાછળનાં કારણો, સંજોગોનો અભ્યાસ કરી તેને સમજી લઈને સ્વીકારી લેવાં જોઈએ.જે બદલાવ આવ્યો હોય તેને અનુરૂપ બદલાવ આપણે આપણી જીવનશૈલીમાં કરવો પડે.જીવનમાં પરિવર્તનનો વિરોધ કરશો તો ત્યાં જ અટકી જશો પણ જો પરિવર્તનનો સ્વીકાર કરશો તો આગળ વધી શકશો.’ ગુરુજીએ કરેલ અચાનક બદલાવો પાછળનું કારણ શિષ્યોને હવે સમજાયું કે ગુરુજી આપણને જીવનમાં ગમે ત્યારે આવતા બદલાવ વિષે અને તેના સ્વીકાર માટે સમજાવવા માંગતા હતા. ગુરુજી આગળ બોલ્યા, ‘દરેક પરિવર્તન શરૂઆતમાં પડકારરૂપ અને અઘરું લાગે છે પણ તેનાથી ડર્યા વિના તેને સ્વીકારી અને અનુકૂળ થઈને જીવનમાં આગળ વધી શકાય છે.કોઈ પણ બદલાવને આવતાં તમે અટકાવી નહિ શકો. માટે કાં તો તમે બદલાવ લાવો અથવા જે બદલાવ આવે તેને સ્વીકારી સમજી આગળ વધો તેમાં જ શાણપણ છે. આ વાત હંમેશા યાદ રાખજો.’ 
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top