આણંદ તા.5
આણંદના મોગર ગામમાં આવેલી ખાનગી કંપની પર કબજો જમાવવા 40થી 50 વ્યક્તિનું ટોળું ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ અંગે સિક્યુરીટી ગાર્ડની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આંકલાવડી ગ્રામ પંચાયત પાસે રહેતા અને મોગરની જેએસએલ, જ્યોતિ લિમિટેડ કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા નારણસિંહ પ્રભાતસિંહ ગોહેલ 12મી જાન્યુઆરીના રોજ ફરજ પર હાજર હતાં. આ સમયે બપોરના સુમારે અહમદ અબ્દુલ વ્હોરા, અહેમદ દલુ ચાવડા, રમેશ મોતી તળપદા, રાજુ મંગળ તળપદા, વનરાજસિંહ દિલીપસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ વિરભદ્રસિંહ સોલંકી અચાનક ધસી આવ્યાં હતાં. આથી, નારણસિંહે તેને કંપનીમાં પ્રવેશતા રોકતા વનરાજસિંહ અને દિવ્યરાજસિંહે તેને ધમકી આપી હતી. બાદમાં ટોળું કંપનીમાં ઘુસી ફેન્સીંગ તોડી નાંખી હતી. પરંતુ બીજા દિવસે 13મી જાન્યુઆરીના રોજ ફરી 40થી 50 માણસોના ટોળા હાથમાં લોખંડની નરાશ, કોદાળા, પાવડા તથા કાળા કલરનું ટ્રેક્ટર તથા તાર ફેન્સીંગ કરવાના વિવિધ સાધનો સાથે નહેર પર આવેલા રસ્તા પર કંપનીની માલીકીની જમીનની આગળ આવી ચડ્યાં હતાં અને તારની જાળીની ફેન્સીંગ તોડી નાંખી નુકશાન કર્યું હતું. તે સમયે દિવ્યરાજસિંહે ધમકી આપી હથિયારો બતાવી બુમો પાડી હતી.
આ અંગે નારસિંહ ગોહેલે જણાવ્યું હતું કે, ગેરકાયદે કબજો લેવાના આશયથી ટોળા સાથે દિવ્યરાજસિંહ વિરભદ્રસિંહ સોલંકી કે જેઓની જમીન કંપનીની બાજુમાં આવેલી છે. આ અંગે વાસદ પોલીસે અહમદ અબ્દુલ વ્હોરા, એહમદ દલુ ચાવડા, રમેશ મોતી તળપદા, રાજુ મંગળ તળપદા, વનરાજસિંહ દિલીપસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ વિરભદ્રસિંહ સોલંકી તથા 40થી 50ના ટોળા સામે ગુનો નોંધ્યો હતો.