Vadodara

ચારૂસેટના સ્થાપના દિને શૈક્ષણિક – બિનશૈક્ષણિક સ્ટાફનું સન્માન કરાયું

આણંદ તા.5
ચાંગા સ્થિત શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. આ સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સંશોધન થકી જ કોઈ યુનિવર્સિટી શ્રેષ્ઠ બની શકે છે. તેમણે હાજર સર્વેને શ્રેષ્ઠ યોગદાન આપી ચારૂસેટ યુનિવર્સિટીને સફળતાનાં શિખરે લઈ જવા આહવાન કર્યું હતું. આ સમારંભની શરૂઆતમાં ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલે સ્વાગત પ્રવચન અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. બાદ તેમણે ચારૂસેટની વિકાસગાથા અને ઉપલબ્ધીઓ વર્ણવી હતી અને જણાવ્યું કે આ વર્ષે ચારૂસેટ કેમ્પસ પોતાના સ્થાપનાની રજતજયંતી ઉજવાશે.
આ ઉપરાંત મુખ્ય અતિથિ ડો. મિનેશ શાહે ચારૂસેટની શિક્ષણ, સંશોધન, અને સમાજઉપયોગી પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી અને દેશના વિકાસ માટે રૂરલ ડેવલપમેન્ટ, ડિજિટલ રિવોલ્યૂશન, અને સંશોધન પર ભાર મુકવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને સીએચઆરએફના માનદ્ મંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ અશોક પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી મઘુબેન પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી વિપુલ પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગિરીશ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્થાપનાની ઉજવણી નિમિત્તે ચારૂસેટ યુનિવર્સિટીના આઈકયુએસી કોર્ડીનેટર ડો. મયુર સુતરિયાએ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ચારૂસેટના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મેમ્બર્સને તેઓએ યુનિવર્સિટીના વિકાસમાં આપેલા યોગદાન બદલ એનાયત થનાર વિવિધ ચાર કેટેગરીનાં એવોર્ડ્સ વિષે માહિતી આપી હતી.
આભારવિધિ રિસર્ચના ડીન ડો. શૈલેષ ખાંટે કરી હતી. સમારંભનું સફળ આયોજન ફેકલ્ટી ઓફ હ્યુમનિટીઝના ડીન ડો. ભાસ્કર પંડ્યા, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડીન ડો. સમીર પટેલ અને ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સિસના ડીન ડો. ધ્રુવ દવેના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top