સુરતઃ સુરત શહેરમાં ચોરીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક રાતમાં વરાછા વિસ્તારમાંથી એસીના પાંચ કોમ્પ્રેસર ચોરાયા છે. ફરિયાદ મળતા વરાછા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.
સામાન્ય રીતે ચોરટાઓ રોકડા રૂપિયા, ઘરેણાં કે પછી કોઈ કિંમતી ચીજવસ્તુની ચોરી કરતા હોય છે, પરંતુ સુરતમાં હવે એરકન્ડીશનના કોમ્પ્રેસર પણ ચોરાવા લાગ્યા છે. શહેરના વરાછા વિસ્તારમાં એક રાતમાં પાંચ એસીના કોમ્પ્રેસર ચોરાયા છે. નવાઈની વાત એ છે કે એસીના કોમ્પ્રેસર ચોરવા માટે ચોર ઈસમો રિક્ષામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા પુરૂષાર્થ સોસાયટીમાં રહેતાં રાજેશ લાલજી પટેલ વરાછા મેઈન રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીનાં પહેલા માળે બ્યુટી હાઉસના નામે કોસ્મેટિક સામગ્રીની દુકાન ધરાવે છે. ગઈકાલે સવારે 10 વાગ્યે દુકાન ખોલવા પહોંચેલાં આ વેપારીને દુકાનની બહાર લગાવેલું એસીનું આઉટડોર ગાયબ જોવા મળ્યું હતું.
ચોરી થઈ હોવાનું દુઃખ મનાવે તે પહેલાં પાડોશમાં દુકાન ધરાવતાં અશ્વિન ભોજાણી આવ્યા હતા. અશ્વિનભાઈની દુકાનની બહાર કાઢવામાં આવેલું એસીનું આઉટડોર પણ ચોરી થયાનું જણાવ્યું હતું. એક જ રાતમાં બંનેની દુકાનની બહાર લગાવેલાં એસીના આઉટડોર ચોરી થયાને લઈ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધવા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, થોડેક દૂર આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સીમાં આવેલી બીજી ચાર દુકાનો બહારથી પણ પાંચ આઉટડોર ચોરી થયા હતા.
સમીર શાહ, જયદીપ દઢાણિયા, કપિલ રાણિંગાની દુકાન બહારથી એક-એક તથા સુકેતુ બુટાણીની દુકાન બહારથી બે એસીના આઉટડોર ચોરી થઈ હોય વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે છ દુકાનમાંથી ચોરી થયેલાં 7 આઉટડોરની 1.25 લાખ રૂપિયા કિંમત આંકી હતી. તે સાથે જ નવી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.