SURAT

VNSGUએ વિવિધ કોર્સની ફીમાં 20 ટકા વધારો કરતાં ABVPનો વિરોધ, કેમ્પસમાં રામધૂન બોલાવી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિએ તેના કેમ્પસમાં ચાલતી તેમજ સંલગ્ન કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સ કોર્ષની ફીમાં 2025-26 ના નવા શૈક્ષણિક વર્ષથી 20 ટકા સુધીનો જંગી વધારો કર્યો છે. ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટીએ ફીમાં 10 ટકા વધારો કરવા સિન્ડીકેટ પાસે ઠરાવ પાસ કરાવ્યો હતો. આ વખતે સીધો જ 20 ટકા ફી વધારો ઠોકી બેસાડાયો છે. યુનિવર્સિટીના આ આપખુદશાહીભર્યા નિર્ણયને લીધે સ્ટુડન્ટ્સ નારાજ થયા છે. આજે અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું.

યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવાયેલા નિર્ણયથી સ્ટુડન્ટ્ ખુબ ગુસ્સે ભરાયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં આજે સ્ટુડન્ટ્સ કેમ્પસમાં ભેગા થયા હતા અને એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડિંગની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિદ્યાર્થીઓએ ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

ABVPના કોલેજ કેમ્પસના અધ્યક્ષ શુભમ રાજપૂતે કહ્યું કે, VNSGU ટ્રાઈબલ બેલ્ટની કોલેજ છે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી 20 ટકા ફી વધારો કર્યો તેનાથી આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ માટે ભણતર મોંઘુ બની ગયું છે. તેઓ ફી ભરી શકે તેમ નથી. તેથી યુનિવર્સિટી તાત્કાલિક ફી વધારો પાછો ખેંચી લે તેવી અમારી માંગ છે.

શુભમે વધુમાં કહ્યું કે, 2.5 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ થઈ રહ્યો છે. ત્યારે અમે રજૂઆત કરી છે કે ઝડપથી આ નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને યુનિવર્સિટી પણ બંધ કરાવીશું.

શું છે સમગ્ર મામલો?
યુનિવર્સિટી દ્વારા ફી વધારા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે. સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પુસ્તકો અને સાધનોની ફી, એમિનિટી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થીએ 2110 ચૂકવવાના હતા, હવે તે 245ના વધારા સાથે 2355 ચૂકવવા પડશે. બીજા સેમેસ્ટરની અન્ય ફીમાં પણ 170નો વધારો થયો છે. આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે.

Most Popular

To Top