SURAT

NEETના પેપર લીક મામલે સુરતમાં ABVPનું વિરોધ પ્રદર્શન, NATના પૂતળાંનું દહન કરાયું

સુરત: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી નીટની (NEET) પરીક્ષાને લઈને દેશભરમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે પેપર લીક (PaperLeak) અને વ્યાપક ગેરરીતિઓને મામલે આજે સુરત શહેરમાં વીર નર્મદ યુનિવર્સિટીના ગેટની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા એનટીએનું પૂતળું બાળવામાં આવ્યું હતું. એનટીએ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એબીવીપી દ્વારા પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

એબીવીપીની ક્રિતી રાજપૂતે કહ્યું કે, અમારું સંગઠન પીડિત વિદ્યાર્થીઓની પડખે ઉભું છે. દેશભરમાંથી 9 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. નેટની નિષ્ફળતાને લીધે તેમના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. આ પરીક્ષા ખરીદી લેવાઈ હોવાથી અન્યાય થયો છે. જેથી અમારી ન્યાયની માગ છે. આવી ઘટના બીજીવાર ન સર્જાય તે માટે અમે દેખાવો કરી રહ્યાં છે. અમે વિદ્યાર્થીઓની મહેનત અને તેમના રૂપિયાનું વળતર અપાવવા પ્રયત્ન કરી રહ્યાં છીએ.

એબીવીપીના જયદીપ જીંજાળાએ કહ્યું કે, એનટીએ દ્વારા છબરડા કરવામાં આવ્યા છે. તેની સામે દેશભરમાં વિરોધ ઉઠ્યો છે. એબીવીપી દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધી મળે તે માટે અમે રામધૂન પણ કરી છે. વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાંખી લેવાય તેમ નથી.

Most Popular

To Top