અબુ ધાબી: (Abu Dhabi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) આજે એટલેકે મંગળવારે અબુધાબીમાં આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને એકબીજાને ગળે લગાવ્યા હતા. દરમિયાન હેલો મોદી કાર્યક્રમમાં એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો હતો. વ્હીલચેરમાં આવેલી એક મહિલાએ કહ્યું હતું કે તેને કોઈ પરવા નથી કે તે વ્હીલચેરમાં છે. તે મજા કરવા માંગે છે. ડાન્સ કરવા માંગે છે. વૃદ્ધ મહિલા દુબઈથી અબુધાબીમાં ‘અહલાન મોદી’ (હેલો, મોદી) કાર્યક્રમનો ભાગ બનવા માટે આવી હતી.
વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં વ્હીલચેરમાં બેઠેલી એક મહિલાએ કહ્યું કે મારી પ્રેરણા મારા દેશ માટે પ્રેમ છે કારણ કે હું ભારતને પ્રેમ કરું છું. હું અહીં 48 વર્ષથી છું, છતાં મારું હૃદય ભારતીય છે. તેથી ઘૂંટણની સર્જરી મહત્વપૂર્ણ નથી અને મને તેની પરવા નથી. તેમણે પોતાની વાત જણાવતા કહ્યું કે બે દિવસથી હું શું પહેરવું તે વિશે વિચારી રહી હતી. મારા નખ, મારી વીંટી, મારી બિંદી, મારો દુપટ્ટો, બધું જ સંપૂર્ણપણે હિન્દુસ્તાની છે.” મહિલાએ મોટા સ્મિત સાથે મીડિયાને જણાવ્યું કે મને મજા આવશે. હું વ્હીલચેરમાં ડાન્સ કરીશ, કોઈ વાંધો નથી.
જણાવી દઈએ કે પીએમ મોદી “અહલાન મોદી” કાર્યક્રમમાં NRIને સંબોધિત કરવાના છે. અબુ ધાબીમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 65,000 થી વધુ નોંધણીઓએ અભૂતપૂર્વ ધ્યાન આકર્ષિત કર્યું છે, જે ભારતીય વિદેશી સમુદાયના જબરજસ્ત પ્રતિસાદને પ્રતિબિંબિત કરે છે. આશરે 3.5 મિલિયનનો ભારતીય વિદેશી સમુદાય યુએઈમાં સૌથી મોટો વંશીય સમુદાય છે જે દેશની વસ્તીના લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે.
ઇન્ડિયન પીપલ ફોરમના પ્રમુખ અને ‘અહલાન મોદી’ પહેલના નેતા જીતેન્દ્ર વૈદ્યએ આ અભૂતપૂર્વ ઘટના માટે તેમનો આનંદ અને અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમારા દરવાજા હજુ સુધી ખૂલ્યા નથી પરંતુ લોકો પહેલેથી જ આ સ્ટેડિયમના દરેક ગેટ પર ઉભા છે. હું ગેરંટી સાથે કહી શકું છું કે જ્યારે પણ લોકો પીએમ મોદીની દેશની બહાર કોઈ જાહેર કાર્યક્રમને યાદ કરશે ત્યારે ‘અહલાન મોદી’ યાદ આવશે. જે એક ઐતિહાસિક ઘટના હશે.