૯.૧૧.૨૪ ના ગુજરાતમિત્રમાં રાજુ રાવળનું “બંધ ઘરોમાં થતી ચોરીઓ” અંગે ચર્ચાપત્ર વિચાર માંગી લે એવું છે. બધા જ લોકો બેંકોમાં લોકરો રાખતા નથી અને જેમણે રાખ્યા છે તે રિઝર્વ બેંકના વારંવારના ફતવાઓથી ત્રાસી જઈને લોકરો બંધ કરી દીધા છે. બેંક, લોકરોના ભાડા વધારતી જાય છે અને દરેક બે ત્રણ મહિને ૪૦૦/૫૦૦ ની એફિડેવિટ કરાવે છે અને એ રીતે સરકાર પૈસા ઉભા કરે છે પરંતુ લોકર ધારકોને બહુ મુશ્કેલીઓ પડે છે. સત્તાધારી નેતાઓ અને અમલદારોના પૈસા રોકડમાં હોય છે, જુઓને ચુંટણી વેળા કેટલા કરોડો પકડાયા છે, આનો અર્થ એ કે નેતાઓ પોતે પોતાના માણસો પાસે કરોડોની રકમ રાખી મૂકે છે અને બીજાઓને ત્યાં દરોડા પડાવે છે.
એ બધા લોકરો રાખતા નથી એટલે બધું છાનુંછપનું રહે છે. લોકર રાખનારા દંડાયા કરે છે. કોઈ સાંસદે કે ધારાસભ્યે આવી મુશ્કેલીની રજૂઆત રિઝર્વ બેન્કને કે કેન્દ્રીય નાણાંમંત્રીને કરી નથી. લોકરોની આવી મુશ્કેલીઓને કારણે લોકો બહાર ગામ જાય છે ત્યારે રોકડ, દાગીના વિગેરે ઘરમાં રાખી પ્રવાસે જાય છે અને બધું જ ગુમાવે છે. બેન્કોએ ટૂંકા ગાળા માટે લોકરોની વ્યવસ્થા કરવી જોઈએ અને માત્ર પાંચ હજારની ફિક્સ ડિપોઝિટ એક મહિનાની મુદ્દત માટે રખાવી ૧૦૦૦/૧૫૦૦ નું ભાડું રાખવું જોઇએ જેથી પ્રવાસે જનાર કુટુંબો પ્રવાસેથી પાછા આવે ત્યારે તેઓ સુખ શાંતિથી પોતાની રોકડ, દાગીના પાછા મેળવી શકે.
સુરત – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અલિવદા કર્નલ!!
જેના નામ માત્રથી જ કામ ચોરો ડરતાં હતાં, જેની સાથે સુરત મ્યુનિ. કોર્પોરેશન અને શહેરના ઘણા પ્રશ્ર્નો હલ થયાં. દા.ત. ઉધના રોડ પરનું ડિમોલેશન, ગોપીતળાવનું સર્જન, જકાત ચોરોને સીધા કરવા વગેરે. એ હતાં જાંબાઝ અધિકારી અશ્વિન મહેતા જેમનું બેસતા વર્ષની વહેલી સવારે 70 વર્ષે નિધન થયું! એમણે જગદીશન એસ.આર.રાવ, અલોરિયા જેવા બાહોશ મ્યુનિ.કમિશ્નરો સાથે સુંદર સાથ આપી સુરતને એક નવી દિશા આપી. તેઓ જકાત ચોરો સામે લડતા હોવાથી રિવોલ્વર રાખતા પણ સદાય હસમુખો, મજાકિયો સ્વભાવ. આવા ખમતીધર, સાહિસક ને જવાં મર્દ ‘કર્નલ’ને શતશત સલામ. એમના જેવાની સુરતને ખોટ પડશે.
સુરત – ડો. અનુકુલ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.