ગુજરાતમિત્રમાં ‘સુપ્રીમ કોર્ટના આશ્ચર્યજનક વલણ’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયેલા ચર્ચાપત્રના સંદર્ભમાં તા.૨૩ એપ્રિલ ૨૦૨૫ના ગુજરાતમિત્રમાં એક ચર્ચાપત્રીએ વિસ્તૃત માહિતીઓ આપી છે તે વાંચ્યા પછી એક એવો પ્રશ્ન જરૂર થાય કે તો પછી આપણા દેશમાં સંસદ કે રાજ્યસભાની કોઈ જરૂર ખરી? આ પ્રશ્ન થવાનું કારણ એટલું જ કે સંસદમાં આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા દ્વારા સંસદ સભ્યોને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવા ચૂંટવામાં આવે છે અને રાજ્યોની વિધાનસભા દ્વારા રાજ્યસભાના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.
હવે કોઈપણ બાબત આ બંને ગૃહમાં રજૂઆત બાદ બહુમતીથી પસાર થાય અને તેના પર રાષ્ટ્રપતિની સહી થયા બાદ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરતી હોય તેની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી થાય અને સુપ્રીમ કોર્ટ તે અરજીનો સ્વીકાર કરે તો સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય જ કે તો પછી સંસદ કે રાજ્યસભાની જરૂર જ શું છે ? ધ્યાનમાં રહે સંસદ અને રાજ્યસભામાં સંપૂર્ણ વિચારવિમર્શ થયા બાદ કોઈપણ બાબત પર મતદાન થાય અને ત્યાર પછી તે સંપૂર્ણ બહુમતી અથવા બહુમતીથી પસાર થયેલો જાહેર થાય છે અને તેને કાયદાનું સ્વરૂપ આપવા તેના પર રાષ્ટ્રપતિની સહી જરૂરી બને છે.
જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી ન થાય ત્યાં સુધી તે કાયદાનું સ્વરૂપ ધારણ કરતી નથી અને તેથી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલો ચોથો મુદ્દો ટકી શકે એમ નથી. તેમના સાતમા મુદ્દામાં તેઓ જણાવે છે કે ચર્ચાપત્રીનો કોઈ ચોક્કસ પક્ષ કે વિચારધારા પ્રત્યેનો ભક્તિભાવ અછતો નથી તો એ બાબતમાં જણાવવાનું કે એ લખનાર સંપૂર્ણપણે તટસ્થ વિચારસરણી ધરાવનાર વ્યક્તિ છે તેનાથી ઉલટું તા.૨૩મીના ચર્ચાપત્રમાં વકફ કાયદા વિશેનું મંતવ્ય જાણ્યા પછી એ ચર્ચાપત્રી સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી વલણ ધરાવે છે એવું પ્રતીત થયા વગર રહેતું નથી. ટૂંકમાં તા.૨૩ એપ્રિલે જે ચર્ચાપત્ર પ્રકાશિત થયું છે તે વિચારધારા સાથે હું બિલકુલ સંમત થઈ શકતો નથી.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
