1893માં દેશમાં ગણપતિ ઉત્સવ શરૂ થયો ગુજરાત અને મહારાષ્ટ્ર વિગેરેમાં તારીખ ૭મી માહે સપ્ટેમ્બરથી ૧૦ દિવસ સુધી સતત ગણપતિ દાદાનો ધર્મોત્સવ ઠેરઠેર ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવાશે કિન્તુ હજારો વર્ષથી ઘરેઘરે અને કોઈ પણ પ્રસંગમાં જેની પૂજા થતી રહી છે તે વિઘ્નહર્તા ગણપતિને ગામના ચોકમાં જાહેરમાં સ્થાપનનો આરંભ લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે સને ૧૮૯૩નાં અરસામાં પૂણેમાં શરૂઆત કરી હતી. ગુજરાતના ગરબા જેમ દેશવિદેશમાં આજે પ્રખ્યાત છે તેમ મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવેલ આ ગણેશોત્સવ દેશભરમાં અને વિદેશોમાં પણ પ્રચલિત છે અત્રે ઉલ્લેખનીય એ છે કે, છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા પણ ગણેશ ચતુર્થીની ઉજવણીનો ઉલ્લેખ થયેલો છે અને ત્યારબાદ પેશ્વાઓ દ્વારા પણ તેની ઉજવણી થતી રહેતી.
કિન્તુ ભારતમાં ૧૮૫૭ના આઝાદી માટેના વિપ્લવ પછી ચાલાક ગોરા અંગ્રેજો તેમનું રાજ ટકાવવા ભારતીય લોકોને એકત્ર થવા દેતા નહીં! પ્રશ્નો-સમસ્યા રજૂ કરવા માટે ટોળા ભેગા કરી શકાતા નહીં !કિન્તુ ગોરા અંગ્રેજો જાણતા હતા કે લોકોની ધર્મભાવનાને રૂંધી શકાય નહીં તેથી તેમણે માત્રને માત્ર ધાર્મિક કાર્યક્રમો માટે જ લોકોને ભેગા થવા દેવાતા! આ કારણે લોકમાન્ય તિલકે તે વખતે ઘરે ઘરે થતી ગણેશ ભક્તિની સાથે દેશભક્તિ વધે સ્વાતંત્ર્ય ભાવના જાગે તે માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો જે આજે સુમારે ૧૩૨ વર્ષે પણ જારી છે.
મુંબઈમાં લાલબાગ કા રાજા તો આશરે નવ દાયકા પહેલાથી ઉજવણી થતી રહી છે. લોકમાન્યએ તેમના સમયમાં આ ઉત્સવનો સમય ગણેશ ચોથથી અનંત ચતુર્દશીનો નક્કી કર્યો તે આજે પણ જારી છે.! આ ઉત્સવ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા ‘શબ્દોચ્ચાર ખૂબ ધામધૂમથી થતો રહે છે. તેમાં મોરયા એ ૧૪મી સદીમાં એટલે કે આશરે ૭૦૦ વર્ષ પહેલા પૂણે પાસેના મોરગાંવમાં થયેલા અને મોરેશ્વર એવા ગણપતિ દાદાના અનન્ય ભક્ત એવા મોરયા ગોસાવી છે. તે ગણેશભક્તિમાં એટલા લીન અને સિધ્ધ હતા કે લોકોએ આ નામ ઉચ્ચારવા લાગ્યા હતા.!આ વાક્ય પછી ‘પૂઢચા વર્ષી લવકર યા ‘મરાઠી શબ્દો ગુજરાતમાં ઘણી જગ્યાએ અપભ્રશ થઈને ઉચ્ચારાય છે જેનો ગુજરાતી ભાષામાં સીધો સાદો સરળ અર્થ ગણપતિબાપ્પા, આગલા વર્ષે ફરી પધારજો.
શ્રી ગણેશોત્સવમાં ગણપતિનું જળમાં વિસર્જન થાય છે તેથી ભક્તો આવી ભાવના દર્શાવેે છે, જે ‘અગલે બરસ તુ જલ્દી આના’એ વ્યાપક ઉચ્ચારાતા શબ્દોથી પણ વ્યક્ત થાય છે.! ગણપતિની પૂજા વખતે લગભગ તમામ ભુદેવોથી માંડીને ભાવિકો ‘વક્રતુણ્ડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરૂં મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા’ શ્લોકનું અચૂક ઉચ્ચારણ કરે છે, ઘણા આને સિધ્ધ ગણેશમંત્ર જ કહે છે, જેમાં એક પ્રાર્થના છે અને શાબ્દિક અર્થ થાય છે કે વળાંકવાળી સુંઢ, વિશાળ શરીર, કરોડો સૂર્ય જેવું તેજ ધરાવનાર દેવ, અમારા સર્વકાર્યો નિર્વિઘ્ને પરિપૂર્ણ કરે.! જય શ્રી ગણેશ!
સુરત – રિધ્ધી વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે