Charchapatra

સરકારી કચેરીમાંથી સેવાનિવૃત્ત પેન્શનરોની હાલાકી અંગે

સરકારી કચેરીમાંથી સેવાનિવૃત્ત થયેલાં કર્મચારીઓ (પેન્શનરો)ને પેન્શન ચાલુ રાખવા અર્થે પોતે હયાત છે તે અંગેનું હયાતીનું પ્રમાણપત્રનું ફોર્મ દર વર્ષ જુલાઇના અંત સુધીમાં જે તે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં સહી કરીને આપવાનું હોય છે અને આ જે તે બેંક આ ફોર્મ જિલ્લા તિજોરી કચેરી (ટ્રેઝરી ઓફિસ)માં મોકલતી હોય છે. પરંતુ અમુક વાર આવા ફોર્મ મોકલવામાં કેટલાંક ફોર્મ મીસ પ્લેસ થઈ જતાં હોઇ કે અન્ય કારણોસર જિલ્લા તિજોરી કચેરી સુધી પહોંચતાં ન હોઇ તેવાં કર્મચારીઓનું (પેન્શનરોનું) પેન્શન અટકી જતું હોઇ (મળવું બંધ થઈ જતું) હોઇ કેટલાંક પેન્શરો, કે જેઓ વૃદ્ધ હોય છે તેઓને હાલાકી ભોગવવી પડે છે.

નિગમ જેવા કે ડેરી, જી.ઇ.બી., કો. ઓપરેટીવ બેંકો અને એસ.ટી. વગેરેમાંથી સેવા નિવૃત્ત થયેલાં કર્મચારીઓને પેન્શન મળવું ચાલુ રહે તે અર્થે વર્ષમાં એક વાર ગમે ત્યારે ફરજિયાત ડિજટલ લાઇફ સર્ટીફિકેટ આપવાનું હોય છે, જેમાં પેન્શનરે માત્ર અંગૂઠાની કે અન્ય કોઇ પણ હાથની કોઇ પણ આંગળીની છાપ કોમ્પ્યૂટરમાં આપવાની વ્યવસ્થા આધારકાર્ડને સંલગ્ન મોકલવાની (આપવાની) હોય છે. આવી પેપરલેસ પ્રથાને કારણે પેન્શનરોને કોઇ હાલાકી ભોગવવી પડતી નથી. નિવૃત્ત સરકારી કર્મચારીઓ (પેન્શનરો) માટે પણ આવી ‘ડિજીટલ લાઇફ સર્ટીફિકેટની પ્રથા અપનાવી ના શકાય? ચાલુ વર્ષે સરકારી કચેરીઓમાંથી સેવાનિવૃત્ત પેન્શનરોના કેટલાંક ફોર્મ જિલ્લા તિજોરી કચેરીમાં ન પહોંચતાં કેટલાંક પેન્શનરોને હાલાકી ભોગવવી પડી હતી.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભેળસેળનો કાળો કેર..!
ખજૂરી અને તાડમાંથી મળતું સ્વાસ્થ્યવર્ધક પીણું નીરો પણ હવે ભેળસેળથી મુક્ત રહ્યું નથી. તાજેતરમાં સુરત મહાનગરપાલિકાએ લીધેલા નમૂનાઓમાં આ વાત સાબિત થઈ છે. કેટલીક સહકારી મંડળીઓ સહિત નીરો વેચનારા તેમાં ચૂનો, સેકરીન, ગોળ જેવા પદાર્થો ઉમેરીને લોકોના આરોગ્યને હાનિ પહોંચાડવાનું દુષ્કૃત્ય કરી રહ્યાં છે. વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે, અનેક પોષકતત્વો ધરાવતું આ પીણું પીવા વહેલી સવારે લોકો આકર્ષાય છે. તેનો ગેરલાભ લઈ, વધુ નફો રળવા નીરો નહીં પણ એના જેવું પીણું પધરાવવામાં આવે છે.

જેનાથી સાવધ રહેવાની જરૂર છે. આ દેશમાં ભેળસેળ કરનારા માટે કડક કાયદા અને એના કડક અમલના અભાવે ભેળસેળ કરવાનું કોઠે પડી ગયું છે. વાત ફરસાણની હોય કે મીઠાઈની, અનાજ-કઠોળની હોય કે મસાલાની હોય; ગમે ત્યાંથી ગમે તે બ્રાન્ડનું ખરી દો.. શુદ્ધતાની કોઈ ગેરંટી નથી..! નીરાના જે નમૂનાઓમાં ભેળસેળ હતી તે સંસ્થાઓને કોર્પોરેશને દંડ ફટકાર્યો.. બસ..! ખરેખર તો દંડ ઉપરાંત સજાની પણ જોગવાઈ હોવી જોઈએ, જેથી આવું કરનારા ચેતે.
સુરત     – સુનીલ શાહ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top