Columns

ચીનની મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા અંગે ભારત સરકાર દ્વારા એડવાઇઝરી: 2022

પોસ્ટ કોવિડ – કોવિડ-19 પછીની પરિસ્થિતિમાં ન્યૂ નોર્મલ લાઇફમાં આપણે સૌ સેટલ થઇ ગયા છીએ. સાથે જ શૈક્ષણિક વર્ષ પણ નિયમિતતાના પંથે ચાલે છે. તેમ 2022-2023 ના વિવિધ અભ્યાસક્રમ – UG ખાસ કરીને સ્નાતક કક્ષાએ શરૂ થઇ ગયા છે અથવા શરૂ થવાની તૈયારીમાં છે. વિશ્વના ઘણા દેશોમાં ખાસ કરીને ચાઇના, યુક્રેન, રશિયા કે અન્ય જગ્યાએ ભારતમાંથી એન્જિનિયરીંગ અને મેડિકલનો અભ્યાસ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાય છે. થોડા મહિના પહેલાંના આર્ટિકલોમાં જોયું તે પ્રમાણે 7000 થી પણ વધુ વિદ્યાર્થીઓ મેડિકલમાં ડિગ્રી મેળવવા માટે ભારતની બહાર જાય છે એમાંથી 15-25% સ્નાતકો ભારતની – ફોરેન મેડિકલ ગ્રેજયુએટ પરીક્ષા (FMGE) પાસ કરતાં હોય છે. સમાજમાં ડૉકટર બનાવવા માટેની અભિલાષામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે.

કયાંક ભારતમાં મેડિકલ કોલેજો ઓછી હોય? કે પછી જેતે વિદ્યાર્થીઓમાં NEETનો સ્કોર ઓછો હોય? કે પછી ફોરેન રીટર્નનો થપ્પો લાગે તે મહત્ત્વનો હોય! જે કોઇ પણ કારણ હોય, કોવિડ-19 ના 19-20, 20-21 દરમ્યાન ભારતની બહાર ભણતાં વિદ્યાર્થીઓને વૈશ્વિક લોકડાઉન વખતે કોલેજો બંધ થતાં, વંદેમાતરમ વિમાનસેવા હેઠળ ભારત લાવવામાં આવ્યા, એમનું શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું. ઘણા વાલીઓ – વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવ્યા હતા. હજુ post-covidમાં ચાઇનાએ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં વિઝા આપવાનું શરૂ કર્યું છે. જેઓ ભણતા હતા તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણકાર્ય નિયમિત કરવા માટે ભારતીય એમ્બેસીને પત્રો લખ્યા છે. વિનંતી કરી છે કે જો ત્યાં ભણવા ન મળે તો અહીં કંઇ નિયમિતતા શરૂ કરાવી દે જેથી  શિક્ષણકાર્ય ખોરંભે ન પડે. બૈજીંગની ડાયરેકટ ફલાઇટ પણ ચાલુ ન હોવાથી ત્યાં ફરી પહોંચવામાં ઘણી તકલીફો પડે છે ત્યારે ચીને 2022 ના પ્રવેશની જાહેરાતો કરી દીધી છે જેની સામે બૈજીંગ ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. જેથી વિદ્યાર્થીઓને કારકિર્દીના પંથે ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

  • કિલનિકલ મેડિસીન પ્રોગ્રામ માટે ચાઇનીઝ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાનો નિર્ણય લેતી વખતે સંભવિત વિદ્યાર્થીઓ અને વાલીઓએ એડવાઇઝરીની નોંધ લેવી જરૂરી છે.
  • એડવાઇઝરીમાં 45 મેડિકલ કોલેજોને ચીની સરકાર દ્વારા પાંચ વર્ષના સમયગાળામાં મેડિકલ ડિગ્રી અને એક વર્ષની ઇન્ટર્નશીપ પ્રદાન કરવા માટે નિયુકત કરવામાં આવી છે. ભારતીય વાલી – વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે આ 45 કોલેજો સિવાય અન્ય પ્રવેશ ન લેવો. 
  • ચીની સરકારે તેમના સત્તાવાર સંદેશાવ્યવહારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે વિદેશી વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી ભાષામાં જ 45 યુનિવર્સિટીમાં મેડિકલ પ્રોગ્રામમાં જોડાઇ શકે છે.
  • જે કોલેજોમાં ચીની ભાષામાં પ્રોગ્રામ અપાતો હોય તેમાં જોડાઇ શકતા નથી. ચીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઇ પણ યુનિવર્સિટી દ્વિભાષી (અંગ્રેજી અને ચાઇનીઝ ભાષા) માં કિલનિકલ મેડિસિન પ્રોગ્રામ ઓફર ન કરી શકે. તે પ્રતિબંધિત છે. જો કે કિલનિકલ સત્રો માટે ચાઇનીઝ ભાષા શીખવી ફરજીયાત છે. આવું ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના શિક્ષણ મંત્રાલયના નિયમો’ મુજબ દરેક વિદ્યાર્થીએ HSK-4 સ્તર સુધી ચાઇનીઝ ભાષા શીખવાની જરૂર પડશે. કોઇ પણ વિદ્યાર્થી જે આ ન્યૂનતમ ચાઇનીઝ ભાષા કૌશલ્યને સ્પષ્ટ નહીં કરે તેને ડિગ્રી આપવામાં આવશે નહીં.
  • વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ જે દેશમાં ડિગ્રી મેળવી છે ત્યાં પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ મેળવવું પડશે.
  • વધુમાં ફીના માળખા વખતોવખત બદલાતા રહે છે ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન લેતા પહેલાં સીધા જ યુનિવર્સિટીમાંથી તપાસ કરીને આગળ વધવાની સલાહ આપવામાં આવી છે.
  • ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓએ ચાઇનીઝ મેડિકલ લાયકાતની પરીક્ષા પાસ કરવી પડશે અને ચીનમાં પ્રેક્ટિસ કરવા માટે ફિઝિશ્યન લાયકાતનું પ્રમાણપત્ર મેળવવું પડશે.
  • # ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ ચીનમાંથી તબીબી લાયકાત મેળવવામાં રસ ધરાવતા હોય તેઓએ વિદેશમાં તબીબી શિક્ષણ મેળવવાની પૂર્વ શરત તરીકે NEET-UG (નેશનલ એલિજિબીટી એન્ટ્રસ ટેસ્ટ # અંડર ગ્રેજયુએટ) પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ભારતમાં NEET-UG પાસ કરનારા વિદ્યાર્થીઓ જ સ્ક્રિનિંગ ટેસ્ટ એટલે કે ફોરેન મેડિકલ ગ્રેજયુએટસ એકઝામ (FMGE) માટે લાયક ઠરે છે.
  • ચીનની ‘ડાયનેમીક ઝીરો કોવિડ પોલીસી’ ને કારણે નિયમો નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે માટે ચીનની યુનિવર્સિટીઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓએ મુસાફરીના સ્થળના નવીનતમ નિયમોની નોંધ જાતે લેવી નહીં કે એજન્ટ કહે તે પ્રમાણે માની ન લેવું.
  • ચીની શિક્ષણ મંત્રાલયે કિલનિકલ મેડિસિન પ્રોગ્રામ ઓફર કરતી વિવિધ ચીની યુનિવર્સિટીઓની કોઇ અલગ રેન્કીંગ પ્રકાશિત કરી નથી માટે એજન્ટો દ્વારા રેન્કિંગ બતાવવામાં આવે તેના પર કેટલું ધ્યાન આપવું તે વાલી – વિદ્યાર્થીએ નકકી કરવાનું રહે છે.

મિત્રો, આપણે ત્યાં પણ સરકારે વધુ સંખ્યામાં મેડિસિનના અભ્યાસ માટે કોલેજો શરૂ કરવાનું નકકી કર્યું છે. જે કોલેજો હાલમાં છે તેમાં પ્રવેશબેઠકો વધારી છે. થોડો વધુ પ્રયત્ન કરી NEET માં સારો સ્કોર લાવી, ઓછી મુશ્કેલીઓનો સામનો કરી, દેશમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવવું હિતાવહ છે. વધુ માહિતી માટે ભારત સરકારની advisory PDF તથા beijing.gov.in PDF ઉપલબ્ધ છે. માહિતગાર થશો તો છેતરાશો નહીં, પસ્તાવાનો વારો નહીં આવે. ‘Best Wishes’

Most Popular

To Top