શિક્ષણનાં બે સ્વરૂપો છે. ઔપચારિક અને અનૌપચારિક. બંનેનું પોતાનું આગવું મહત્ત્વ છે. ગુજરાતમાં અનૌપચારિક શિક્ષણ આપવામાં અભિદૃષ્ટિ સામયિકનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. એ ઉચ્ચ શિક્ષણ અને તેની સાથે સંકળાયેલાં લોકો માટેનું સામયિક હતું. એટલા માટે લખવું પડે છે કે ડિસેમ્બર – ૨૦૨૪ માં એનો છેલ્લો અંક પ્રસિદ્ધ થયો છે. જાન્યુઆરી -૨૦૨૫ થી અભિદૃષ્ટિનું પ્રકાશન બંધ થાય છે.તેના સંપાદક રોહિત શુક્લે નોંધ્યા મુજબ, “લગભગ તેત્રીસ વરસથી અભિદૃષ્ટિના સંચાલન અને સંપાદન પછી હવે વિરામ જાગ્યો છે. અભિદૃષ્ટિમાં સાહિત્ય અને સંસ્કારના વિભાગો ઉમેરીને પણ કોઈ ચલાવવા માંગે તો તેમને આવકારવાની તૈયારી દર્શાવેલી જ. પણ સમાજ તરફથી કોઈ જ પ્રતિભાવ નથી અને મારી અંગત ક્ષમતા પણ વિરમી રહી છે. અભિદૃષ્ટિ હવે વિરમે છે. આવજો.”આ શબ્દોમાંથી પ્રગટ થતી વ્યથા સમજવા જેવી છે.
જે લોકો ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલાં છે તેઓ આ સામયિકના કાર્ય અને પ્રદાનથી માહિતગાર હશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતા પ્રવાહોને ઝીલીને એને વાચા આપવામાં અને યથાર્થ ભાવિ દર્શન કરવામાં તે અગ્રેસર રહ્યું હતું. સામયિક બંધ થતાં મને એવું અનુભવાય છે કે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને જોવા, સમજવા માટેની જાણે કે દૃષ્ટિ જ જતી રહી છે. કંઈ નહિ તો, સામયિક અને તેના સંપાદકોના પ્રદાનની નોંધ જરૂર લઈએ. આજના ઈન્ટરનેટના જમાનામાં સુંદર કાગળો પર સુંદર વાતો અને વિચારો લઈને આપણા હાથમાં આવતું મેગેઝીન બંધ થાય એ નાની વાત નથી.
નવસારી – ઈન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.