રાજપીપલા: નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮=૦૦ કલાકે ૧૨૩.૦૧ મીટર નોંધાયેલ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫,૪૬૩ મીલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦ થી ૨૫ સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો હોવાની જાણકારી સરદાર સરોવર ડેમ વિભાગના ઇજનેરશ્રી તરફથી પ્રાપ્ત થઇ છે.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૭૮ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂા.૫૦ લાખની કિંમતનુ ૨૫ લાખ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.