બે પાકા મિત્રો રોહન અને સોહન હંમેશા સાથે રહે …સાથે ભણે ..સાથે રમે …સાથે મોટા થયાં ..કોલેજમાં આવ્યાં….એક દિવસ કોલેજની કેન્ટીનમાં બંને આવ્યાં ….કંઈ બોલ્યા વિના…. એક બીજાના મોઢા પર પાણીના ગ્લાસ ફેંક્યાં ..અને હવે ક્યારેય વાત નહિ કરવાનું નક્કી કરી પોતપોતાના ઘરે જતાં રહ્યાં.કેન્ટીનમાં હાજર બધા સ્તબ્ધ થઇ ગયા કે આ બે પાકા મિત્રો વચ્ચે આવો ઝઘડો! વાત શું હતી તેની કોઈને ખબર ન હતી.
બંને ગુસ્સામાં પોતપોતાના ઘરે ગયા…રોહનની દાદીએ પૂછ્યું, ‘સોહન ક્યાં છે?’ મને ખબર નથી એટલું કહી રોહન પોતાના રૂમમાં જતો રહ્યો.આ બાજુ સોહન ઘરે પહોંચ્યો તો તેની મમ્મીએ પણ પૂછ્યું, ‘રોહન ક્યાં છે?’ સોહન કંઈ પણ જવાબ આપ્યા વિના જ પોતાના રૂમમાં જતો રહ્યો.
બે ત્રણ દિવસ થઈ ગયા.ન રોહન કોલેજ ગયો …ન સોહન ….ઘરમાં બધા ચિંતામાં હતા…..હજી વધુ બે દિવસ પસાર થયા,બંને હંમેશા સાથે રહેતા અને આટલા દિવસથી મળ્યા ન હતા ..હવે બંનેને એકમેકની યાદ આવવા લાગી પણ અહમમાં પહેલો ફોન હું શું કામ કરું? એમ વિચારી કોઈએ ફોન ન કર્યો. બે દોસ્ત વચ્ચે હવે નક્કી કંઇક વાત છે તેમ પરિવારજનો સમજી ગયા.
સોહન તેના દાદાની ખૂબ નજીક હતો …તેના દાદા તેની પાસે ગયા અને બોલ્યા, ‘દીકરા, તારો દોસ્ત રોહન કેમ બહુ દિવસથી દેખાતો નથી, બહારગામ ગયો છે શું?’ સોહન ગુસ્સામાં બોલ્યો, ‘હવે તે મારો દોસ્ત નથી તેને જ્યાં જવું હોય ત્યાં જાય ..હું તેની જોડે વાત કરતો નથી. દાદા,તમે એનું નામ ન લેશો….’ દાદા સમજી ગયા કે બે દોસ્તો વચ્ચે ઝઘડો થયો છે.
દાદાએ કહ્યું, ‘દીકરા તું મારો પૌત્રથી વધારે દોસ્ત છે …અને તને એક વાત આજે સમજાવું છું કે ..દોસ્ત જોડે કે કોઈ પણ સંબંધમાં કંઈ પણ વાત થાય તો લડી લેવું …ઝઘડી લેવું …..દોસ્તીમાં તો મારામારી પણ કરી લેવી ..માર પણ ખાઈ લેવો…અને મારી પણ લેવું ..બધું જ કરવું, પણ બોલચાલ બંધ કરવી નહિ ..અબોલા લેવા નહિ..કારણ કે અબોલા લેવાથી સુલેહના રસ્તા બંધ થઇ જાય છે ..મનની વાત ..મનનો ગુસ્સો બહાર નથી નીકળતો અને મનમાં રહીને વેર ઘૂંટે છે.
આ વેર ખરાબ છે.ગુસ્સો તો આવે ..તમે નાના હતા ત્યારે પણ ગુસ્સો કરતા ..પણ થોડી વાર ઝઘડી પાછા એક થઇ જતા…..તો પછી હવે ઝઘડી લો અને ફરી પાછા એક થઇ જાવ ..અબોલાની શું જરૂર છે…..અહમ અને વેર દોસ્તીને ગળી જશે.
’દાદાની વાત સાંભળી સોહન બાઈક લઈને સીધો ગયો રોહનના ઘરે ઝઘડો કરવા…રોહનના રૂમમાં જઈ તેણે રોહનને સીધો ધબ્બો મારી કહ્યું, ‘મારી યાદ નથી આવતી?’ જવાબમાં રોહન તેને ભેટી પડ્યો.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.