ભારતીય ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણી 4-1થી જીતવા બદલ મોટું ઈનામ પણ મળ્યું છે. આજે બુધવારે તા. 5 ફેબ્રુઆરીએ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલા T20 રેન્કિંગ લિસ્ટમાં ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આ T20 રેન્કિંગ યાદીમાં ટોચના 5 માં ત્રણ ભારતીય બેટ્સમેનનો સમાવેશ થાય છે.
જેમાં અભિષેક શર્મા, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. દરમિયાન રહસ્યમય સ્પિનર વરુણ ચક્રવર્તી પણ T20 રેન્કિંગમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે. આદિલ રાશિદ અને વરુણ ચક્રવર્તીના રેટિંગ પોઈન્ટ (705) સમાન છે. તાજેતરની T20 રેન્કિંગમાં બોલિંગ યાદીમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. કારણ કે વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હુસૈને ફરીથી નંબર વન બોલરનું સ્થાન મેળવ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ સ્ટાર્સે ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે.
અભિષેક શર્માએ રવિવારે મુંબઈમાં પોતાના આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ રમી જેમાં તેણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની પાંચમી અને અંતિમ મેચમાં 135 રન બનાવ્યા. પરિણામે તેણે બેટ્સમેનોના T20 રેન્કિંગમાં 38 સ્થાનનો ઉછાળો મેળવ્યો. અભિષેકની ઐતિહાસિક ઇનિંગ માત્ર 54 બોલમાં પૂર્ણ થઈ હતી અને તે રમતના સૌથી ટૂંકા ફોર્મેટ (T20I) માં કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા રમાયેલી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ હતી. પરિણામે 24 વર્ષીય અભિષેક બેટ્સમેનોની નવીનતમ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો.
ઓસ્ટ્રેલિયન સ્ટાર ટ્રેવિસ હેડ T20 બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચ પર યથાવત છે પરંતુ વાનખેડેમાં રેકોર્ડબ્રેક પ્રયાસ બાદ અભિષેક તેનાથી માત્ર 26 રેટિંગ પોઈન્ટ પાછળ છે, જ્યારે ત્રણ ભારતીય ખેલાડીઓ ટોચના પાંચમાં સામેલ છે. તિલક વર્મા ત્રીજા સ્થાને છે અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચમા સ્થાને છે અને હેડની નજીક છે, જ્યારે હાર્દિક પંડ્યા (પાંચ સ્થાન ઉપર ચઢી 51માં સ્થાને) અને શિવમ દુબે (38 સ્થાન ઉપર 58માં સ્થાને) પણ ઇંગ્લેન્ડ સામે કેટલાક સારા સ્કોર બાદ તેમના રેન્કિંગમાં સુધારો કરવામાં સફળ રહ્યા છે.
અકીલ હુસૈન નંબર 1 T20 બોલર બન્યો
વરુણ ચક્રવર્તી T20 બોલરોની તાજેતરની રેન્કિંગમાં 14 વિકેટ સાથે ત્રણ સ્થાન ઉપર બીજા સ્થાને પહોંચી ગયો છે. દરમિયાન ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પાંચ વિકેટ લીધા બાદ રવિ બિશ્નોઈ (ચાર સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચ્યો) પણ ટી20 બોલરોની યાદીમાં આગળ વધ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર અકીલ હુસૈને એક અઠવાડિયા પહેલા આદિલ રશીદથી પોતાનું સ્થાન ગુમાવ્યું હતું પરંતુ તેણે ફરીથી નંબર વન બોલર તરીકેનું સ્થાન મેળવ્યું છે.
ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ
તાજેતરના ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓના રેન્કિંગમાં સુધારો થયો છે, જે આશ્ચર્યજનક નથી. કારણ કે તાજેતરમાં ગાલે ખાતેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા પર એક ઇનિંગ્સ અને 242 રનથી વિજય મેળવ્યો હતો. સ્ટેન્ડ-ઇન કેપ્ટન સ્ટીવ સ્મિથ તેની 35મી ટેસ્ટ સદી બાદ નવીનતમ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર આવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ઓપનર ઉસ્માન ખ્વાજા પણ આ સમયગાળા દરમિયાન 232 રનનો પોતાનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર બનાવ્યા બાદ છ સ્થાન ઉપર આવીને 11મા સ્થાને પહોંચી ગયો છે.
