વડોદરા : વડોદરા શહેરના સમા વિસ્તારના અભિલાષા ચોકડી પાસે આવેલ ગાયત્રીપાર્ક સોસાયટીના મકાનના રીનોવેશનના કામ માટે ટ્રકમાં આવેલ માર્બલ પથ્થરના જથ્થા વચ્ચે દબાઈ જતાં ઘટનાસ્થળેજ મોત થયું હતું.
વડોદરાના સમા અભિલાષા ખાતે આવેલ ગાયત્રી પાર્ક સોસાયટીમાં પારસભાઈ જૈન રહે છે.જેઓના મકાનનું રીનોવેશનનું છેલ્લા એક વર્ષથી કામ ચાલતું હતું.જ્યાં રવિવારે રાજસ્થાનથી માર્બલ પથ્થરો ભરી ટ્રક આવી હતી.અને તેમાંથી માર્બલ ઉતારવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન ખૂબ જ મોટા માર્બલ હોઈ માર્બલને ઉતારતી વખતે એક શ્રમજીવી ઉપર માર્બલનો જથ્થો પડતાં તે માર્બલની નીચે ફસાઈ જતાં શ્રમજીવીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરાતાં ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી આવી ભારે જહેમતથી શ્રમજીવીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
જ્યારે આ ઘટનાને લઈને આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા.ઘટના અંગેની જાણ સમા પોલીસને કરવામાં આવતા સમા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. જ્યાં મૃતક શ્રમજીવી મૂળ રાજસ્થાનનો અને હાલ વાઘોડિયા રોડ પર રહેતો અશોક જાગીડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસેસજી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથધરી છે.
આ અંગે માહિતી આપતા ફાયર અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે સમા વિસ્તાર અભિલાષા આસે ગાયત્રીપાર્ક સોસાયટી ઘર નંબર 1 માં રીનોવેશનનું કામ ચાલે છે.તે રીનોવેશન માટે મકાનમાલિકે માર્બલના પથ્થરો મંગાવ્યા હતા.જેથી રાજેસ્થાનથી ટ્રક આવી હતી.
એમાં એક મજૂર ઉ.વ.29 અશોક જાગીડ રીનોવેશનના પથ્થરો ઉતારતી વખતે ફસાઈ ગયો હતો.જેથી એના બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડને કોલ મળતા જ વડીવાડી ફાયર સ્ટેશન ના જવાનો અહીં આવી પહોંચ્યા હતા.અંદાજે એક દોઢ કલાકની ભારે જહેમતે તેને બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે તેનું પથ્થરો નીચે ફસાઈ જવાથી મોત થયું હતું.પોલીસે મૃતદેહને એસેસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
જ્યારે બીજી તરફ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે અહીં આટલા મોટા મોટા પથ્થરો રીનોવેશન માટે મોકલવામાં આવ્યા હતા.જેમાં માત્ર એક જ મજૂર આ મોટા મોટા પથ્થરો ઉતારી રહ્યો હતો.પથ્થરો ઉતારતી વખતે એકાએક તે પથ્થરો નીચે દબાઈ જવાથી તેનું મોત થયું છે.
માટે આ પથ્થરોનું કામ કરતા કોન્ટ્રાક્ટર કે માલિક જે કોઈ હોઈ તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી સ્થાનિક રહીશોએ કરી હતી.સમા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસેસજી હોસ્પિટલમાં મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.