બે લક્કડખોદ કી ઔલાદ!! ખડે ખડે મેરા મૂહ કયા દેખ રહે હો’’ હિન્દી ફિલ્મના વિલનોના શ્રીમુખેથી આવો ડાયલોગ ક્યારેય સાંભળવા મળ્યો નથી. નહીં તો લક્કડખોદ કાંઈ સાવ નાખી દીધા જેવું પક્ષી નથી પણ હિન્દી ફિલ્મોમાં જ્યારે જ્યારે વિલનના મુખે ડાયલોગની અછત સર્જાઈ છે ત્યારે ડાયલોગ રાઈટર્સે ઘુવડની બોચી પકડી છે અને વિલનોએ ‘અબે ઉલ્લુ કે પઠ્ઠે…’ ડાયલોગ ફટકાર્યો છે. આપણે રાત-દિવસ એક કરીએ તો ય ઘુવડનાં દર્શન થતાં નથી અને આ વિલનોને સાવ બેઠા-બેઠા વારે-ઘડીએ ઘુવડના દર્શન થાય છે બોલો! આ રીતે ફિલ્મમાં વિલનને વારંવાર ઘુવડના દર્શન થાય તો વિલનની આંખોની તપાસ ઉત્તમ પ્રકારના ડૉક્ટર પાસે કરાવવી જોઇએ. પર્યાવરણવાદીઓ કહે છે કે ઘુવડની વસ્તી ઘટતી જાય છે પણ હિંદી ફિલ્મોમાં વધતી જાય છે. આંકડા છુપાવવાનો ખેલ અહીં પણ વર્ષોથી ચાલ્યા કરે છે.
હિન્દી ફિલ્મવાળા પ્રયોગશીલ લેખકો પાસે ડાયલોગ લખાવતા નથી. નહીં તો ‘અબે લક્કડખોદ કી ઔલાદ’ આ ડાયલોગ કેવો જામે. ડાયલોગનો ઉપાડ જ જુઓને! કેટલો અસરકારક છે! તેનાથી આગળ વધીને ‘અબે લક્કડબઘે કી ઔલાદ…’ એ પણ કેવું ચોટદાર લાગે! આ ડાયલોગ તો ગુજરાતીમાં ય જામે. ‘અબે લક્કડબઘે કી ઔલાદ’ નો કાઠિયાવાડી ગુજરાતીમાં અનુવાદ ‘હાળા ઝરખના પેટના’ એવો થાય. ‘ઉલ્લુ કે પઠ્ઠે…’ તો ચવાઈને ચુથ્થો થઈ ગયું છે. કંઈક જુદા જ પ્રકારના જંગલી પ્રાણીઓના ઉલ્લેખવાળા પ્રયોગશીલ ડાયલોગમાં એકદમ રોમાંચ અને થ્રિલ આવે. શ્રોતાઓનું શબ્દભંડોળ અને જિજ્ઞાસા વધે. ‘ઉલ્લુ કે પઠ્ઠે…’ તો હવે કાનમાં કકળાટ કરતા હોય એવું લાગે. ઘુવડની વસ્તી ઘટવાનું એક આ કારણ પણ હોઈ શકે.
ઉલ્લુના પઠ્ઠાઓ ક્યાં ક્યાં હશે તે વિલન બતાવી દે પછી શિકારીઓ તેમનો શિકાર કરી જ નાખે ને! બીજી તકલીફ એ છે કે આ ફિલ્મી વિલનો હંમેશાં ઘુવડપ્રેમી રહ્યા છે એટલે તેઓ વારંવાર ઘુવડને પ્રમોટ કરતા રહ્યા છે. જો કે ઘુવડના મુખેથી વિલનો માટે ‘અબે ગબ્બર સિંગ કી ઔલાદ’ એવું કદી સાંભળવા મળ્યું નથી. વિલનોના ઉલ્લુપ્રેમને કારણે ટીટોડો, ઢોંકબગલો, કાળિયોકોશી, કલકલિયો, લટોરો, દૈયડ, દેવચકલી, લેલા જેવા પ્રતિભાશાળી પક્ષીઓને ફિલ્મોમાં સ્થાન મળ્યું નથી. હા, હિન્દી ફિલ્મોએ ગધેડાની થોડી નોંધ લીધી છે ખરી! ‘અબે ગધે કી ઔલાદ’ જેવા સંવાદ ઘણી વાર સાંભળવા મળે છે પણ એમાં ગધેડાને ય ભારોભાર અન્યાય થયો છે. ‘ગધે કી ઔલાદ’ બોલાય છે ઘણી વાર! પણ ક્યારેય ગધેડાને બતાવવામાં આવતો નથી. ફિલ્મોમાં જેટલી વાર ‘ગધે કી ઔલાદ’ બોલાયું એટલી વાર જો ગધેડાને બતાવવામાં આવ્યો હોત તો આજે ગધેડો લોકહૃદયમાં ઊંચું સ્થાન પામ્યો હોત.
બીજી બાજુ આજ સુધીમાં ફિલ્મોમાં હજારો કલાકો સુધી ઘોડા દોડાવવામાં આવ્યા પણ ક્યારેય ‘ઘોડે કી ઔલાદ’ કે ‘અશ્વ કી ઔલાદ’ જેવો હણહણતો ડાયલોગ સાંભળવા મળ્યો નથી. ‘ઉલ્લુ કે પઠ્ઠે’માં પણ એવું જ! ક્યારેય આ ડાયલોગની સાથે ઘુવડને રૂપેરી પડદે બતાવવામાં આવતું નથી. તેને કારણે લોકો ઘુવડને અપશુકનિયાળ પક્ષી જ માનતા રહ્યા છે. બાકી જેટલી વાર ‘ઉલ્લુ કે પઠ્ઠે’ એવું બોલાય ત્યારે ‘ઉલ્લુ’ બતાવવામાં આવે તો (બનાવવામાં નહીં) આજે લોકો ફિલ્મો પડતી મૂકીને પાંચસો પાંચસો રૂપિયાની ટિકિટ લઇ ઉલ્લુને જોવા નીકળી પડ્યા હોત. આજે દેશભરમાં એક પણ ‘ઉલ્લુ અભયારણ્ય’ નથી. પણ જો ફિલ્મોમાં ડાયલોગ સાથે ઉલ્લુ બતાવવામાં આવ્યા હોત તો આજે ભારતવર્ષમાં ઓછામાં ઓછા અઠ્ઠાવીસ-ત્રીસ જેટલા ‘ઉલ્લુ અભયારણ્ય’ હોત અને દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉલ્લુને જોવા આવતા હોત અને આજે ઉલ્લુ રાષ્ટ્રીય પક્ષીનું સ્થાન પામ્યું હોત.
લાગે છે કે ડાયલોગ રાઇટર્સનું ચેતાતંત્ર ભારતના અર્થતંત્રની જેમ ખખડીને ખાડે ગયું છે. પશુપંખીઓ તો અપાર છે પણ તેઓ ઉલ્લુ પરથી નજર જ નથી હટાવતાં. જો તેઓ ફિલ્મી ડાયલોગમાં જુદા જુદા પશુ-પંખીઓનો નિયમિત ધોરણે ઉલ્લેખ કરતા રહ્યા હોત તો ‘દેશી હિસાબ’ ની ચોપડીમાં પશુપંખીઓનાં ચિત્રો ન મૂકવા પડયાં હોત. (પહેલા ધોરણમાં એકડા અને કક્કોબારાખડી શીખવાની ચોપડીનું નામ પણ રસપ્રદ છે ‘દેશી હિસાબ’! આપણને થાય કે તો પછી ‘પરદેશી હિસાબ’ કેવો હશે?) હા, અગાઉ બાળકોને શીખવવામાં આવતા કક્કોમાં થોડા સુધારાવધારા થયા અને આપણી બિનસાંપ્રદાયિક પરંપરાને શિક્ષણ ક્ષેત્રે મજબૂત બનાવવા ગણપતિનો ‘ગ’ના સ્થાને ગધેડાનો ‘ગ’ મૂકવામાં આવ્યો.
જે ગધેડા માટે ગૌરવ લેવા જેવી બાબત છે પણ ગધેડો મૂળાક્ષરોથી અજાણ હોવાથી પોતાની પ્રતિભાને પિછાણી શકે નહીં. શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં ગધેડાને સ્થાન મળ્યું તેનાથી મોટું સન્માન કયું હોઈ શકે?! તેમાં છૂપો સંદેશ એ છે કે કરેલું ફોગટ જતું નથી. ગધેડા જેવી સખત મહેનત કરો તો શિક્ષણમાં પણ ઊંચું સ્થાન પામી શકો. અલબત્ત ગધેડો ગમે ત્યાં સ્થાન પામે તો પણ એ ગધેડો જ રહે છે. પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ પાસે આજકાલ એટલું બધું કાગળકામ હોય છે કે તેઓ કહે છે કે અમે તો ગદ્ધામજૂરી જ કરીએ છીએ પણ આ પ્રકારની શિક્ષણનીતિથી ભલે શિક્ષણ નહીં પણ ગધેડો તો ફરી જીવંત બન્યો! આ કંઇ નાનીસૂની સિદ્ધિ નથી.
હા, છેલ્લાં કેટલાંક વર્ષોથી હસબન્ડને સંબોધવા માટે ‘હબ્બી,હબ્બુ કે બેબી’ જેવા ખોફનાક શબ્દપ્રયોગ શરૂ થયા છે. પહેલાના સમયમાં તો નવા પરણેલાં પતિ-પત્ની એકબીજાના લાંબા નામને દ્વિઅક્ષરી બનાવી ટૂંકા કરતાં. તેમાં બીજા અક્ષરને પૂંછડે મારીધોકાવીને હ્રસ્વ ‘ઉ’ લગાડતાં. અનુભવજન્ય સૂત્રોના જણાવ્યા મુજબ તેનાથી નામ અડધું થઈ જતું પણ પ્રેમ બમણો થતો. જેમ કે દમયંતી નામ હોય તો કહે ‘દમુ’ અને ગમન હોય તો ‘ગમુ’. જમના નામ હોય તો ‘જમુ’ મૃદુલા હોય તો ‘મંદુ’, પતિનું નામ પુરુરાજ હોય તો કહે ‘પૂરું’ (અરે બહેન, હજુ તો માંડ શરૂ થયું છે ત્યાં ‘પૂરું!!!આવા કારણોસર જ લગ્નસંસ્થા પડી ભાંગી છે.) કાજલ નામ હોય તો ‘કાજુ’.
બસ, એ જ રીતે જેના પતિઓનું નામ ઉલ્હાસ હોય તો તેમની પત્નીઓ રૂપાની ઘંટડી જેવા મધુર સ્વરે પ્રેમથી ‘ઉલ્લુ’ કહીને બોલાવે. ઉલ્લુ..ઉ..ઉ..ઉ.., ઉલ્લુ..ઉ..ઉ..ઉ.. જેવો મધમીઠો ટહુકો સાંભળીને ઉલ્લુ તો આખેઆખો ઓગળવા માંડે પછી સમય જતાં પત્નીને ‘ઉલ્લુ’ શબ્દ ખરેખર અર્થસભર લાગવા માંડે. પેલાને પત્ની જેટલી વાર ‘ઉલ્લુ’ કહીને સંબોધે એટલી વાર તે ફૂલેફાલે અને ખીલે. ખીલે બંધાયા પછી તો આ રીતે જ ખીલવું પડે. આ રીતે અજાણપણે પણ ઉલ્લુને સંસારથમાં સ્થાન મળ્યું છે. જે તેમના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે. એમ તો હિન્દી ફિલ્મોમાં પક્ષીગીતો પણ આવે છે, જેમ કે…..‘તું મેરી મૈના, મે તેરા તોતા… મીઠું મીઠું બોલે ઈ લા…’ પણ આવાં ગીતોમાં ડાયલોગ જેવું જામે નહીં. ડાયલોગમાં અધિકારપૂર્વક જે રીતે ‘ઉલ્લુ કે પઠ્ઠે…’ ‘ગધે કી ઓલાદ’, ‘સુવર કે બચ્ચે’ જેવા ફાંકડાં સર્ટિફિકેટ ફાડી આપવામાં આવે એવું ગીતોમાં જામતું નથી એટલે તો આવાં ગીતોથી કંટાળ્યા પછી ફિલ્મવાળાએ તોતામેનાના ગીત દ્વારા પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું ……‘તોતામેના કી કહાની તો પુરાની, પુરાની હો ગઈ….’ ગીતકારો કહે છે કે કંઈક નવું આપો. આ જૂના ઝાપટિયાથી દર્શકોને, પ્રેક્ષકોને ક્યાં સુધી ઝાપટયા કરશો? હિન્દી ફિલ્મોમાં સંબોધનોમાં પણ જો વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓને અજમાવવામાં આવે તો ફિલ્મો કરતાં લોકોનું પશુ-પંખી પ્રત્યેનું આકર્ષણ વધે. આમેય ઊંડાણપૂર્વક જુઓ તો ઘણાં હીરો-હીરોઇન પશુની પ્રજાતિ હોય એવા જ લાગે છે.
વળી ફિલ્મોમાં હીરોને ‘શેર’ અથવા ‘ટાઈગર’ જેવાંે જંગલી ઉપનામ આપવામાં આવે છે એમાં તો પેલાને વહેમ ભરાઈ જાય. સાલાઓને એટલી અક્કલ નથી કે આ લોકો આપણને માણસને બદલે જાનવર કહે છે. જો હીરોને જાનવર કહેવો હોય તો એમાં પણ કંઈક નવું લાવો. હીરોને એમની શારીરિક આકૃતિ મુજબ ઘુડખર, ઘોરખોદો કે હતરશિંગો (સત્તરશિંગો) જેવાં ઉપનામ આપવાં જોઈએ. શેર, ટાઈગર તો બહુ જૂના થઈ ગયા. જો આવાં નવાં ઉપનામ આપવામાં આવશે તો તેમની અભિનયશક્તિને નવું બળ મળશે. પ્રેક્ષકોને ઘોરખોદો, ઘુડખર કે હતરશિંગો જેવાં પ્રાણીઓ જોવાની ઉત્સુકતા વધશે.
તેથી પર્યાવરણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમ બંનેને ફાયદો થશે. એવો પ્રયોગ પણ થઈ શકે કે જે હીરોને ઘોરખોદો તખલ્લુસ આપવામાં આવ્યું હોય તે કોઈ સ્ટેજ શોમાં આવે ત્યારે ભેગો ઘોરખોદાને પકડતો આવે તો લોકોને એક પંથ દો કાજ થાય. જેને હીરો જોવો ન ગમે તે ઘોરખોદાથી રાજી થાય. પછી વિલન એવો ડાયલોગ ફટકારે…. ‘અબે ઘોરખોદે કી ઔલાદ મૈં તુઝે કુત્તે કી મોત મારુંગા.’ જુઓ આને કહેવાય પરફેક્ટ ક્રિએટિવિટી! અહીં લેખકે ગજબની કુશળતા દાખવી છે. એક વાક્યમાં બે પ્રાણીઓનો ઉલ્લેખ કરી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રાણીઓ ભલે ગમે તેવા હોય પણ પ્રયાસ હંમેશાં ઉમદા જ હોવો જોઈએ માટે અમારું તો ભારપૂર્વક કહેવાનું છે કે હિન્દી કે પ્રાદેશિક ફિલ્મોના ડાયલોગ, કથા-પટકથા, ગીતો વગેરેમાં વધુ ને વધુ પશુ-પંખીઓને આવરી લેવામાં આવે તો તેમના કલ્યાણ માટે એક નવી દિશા ખૂલી શકે તેમ છે. બસ આજથી જ શરૂ કરો. જાગ્યા ત્યાંથી સવાર, સૂતા ત્યાંથી સાંજ.
:: ગરમાગરમ ::
ઘણાંને ઘેર ગયા હોઈએ પછી રજા લઈને છેક ઘરના દરવાજા બહાર નીકળી જઈએ પછી કહે, એક વાર જમવાનું રાખો એ રીતે આવો. એમને કહેવાનું મન થાય કે આ અગિયારમી વખત આવ્યા!