સુરત: અડાજણના (Adajan) ક્રોમાં સેન્ટરની (Croma Center) પાછળ આવેલા EWS આવાસની (Aavas) બિલ્ડીંગની (Building) સીલિંગ (Ceiling) તુટી જતાં દોડધામ મચી ગઈ હતી. આવાસના બિલ્ડીંગ નંબર 9 ના ફ્લેટ નંબર 23માં અચાનક સિલિંગના પોપડા તૂટી પડ્યા હતા. સિલિંગ (Ceiling) તૂટી પડતા ઘરવખરીને પણ નુકશાન થયું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવ્યા બાદ આ આવાસ પરિવારોને હંગામી ધોરણે અપાયા હતા.
મળતી માહિતી અનુસાર સુરત અડાજણના ક્રોમાં સેન્ટરની પાછળ આવેલા EWS આવાસની બિલ્ડીંગ નંબર 9 અને ફ્લેટ નંબર 23માં અચાનક સિલિંગના પોપડા તૂટી પડતા ભાગદોડ શરૂ થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ ધડાકા ભેર સિલિંગ તૂટી પડતા પરિવાર ડર ના મારે દોડીને નીચે ઉતરી ગયું હતું.
સીતાબેન હરિશકુમાર રાણા (પીડિત પરિવાર)એ જણાવ્યું હતું કે, ઘટના મંગળવારની મોડી સાંજની છે. તેઓ રસોઈ બનાવી રહ્યા હતા અને તેમના ભાઈનો 16 વર્ષીય દીકરો વાસુ હોલમાં રમતો હતો. તે દરમિયાન અચાનક સિલિંગ તૂટી ગઈ હતી. તેમના ભાઇનો છોકરો એક મિનિટ પહેલા જ પંખા નીચેથી હટી ગયો હતો નહિતર અનહોની થઈ જાત. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, અમારા પરિવારના ચાર સભ્યો આ મકાનમાં રહે છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી એ જ અમારા માટે સુખદ છે.
અમારા પાડોશીના બંધ મકાનની સિલિંગ પણ તૂટી ગઈ છે. પણ તેઓ ડીંડોલી રહેવા ચાલ્યા ગયા છે. એટલે તેમની ઘરવખરીને કોઈ નુકશાન થયું નથી.
2015માં માનદરવાજાના ટેનામેન્ટ ખાલી કરાવી અહીં લાવ્યા હતા
સીતાબેને કહ્યું 2015માં માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવ્યા બાદ તમામ પીડિતોને અડાજણ EWS આવાસમાં હંગામી ધોરણે મકાન આપવામાં આવ્યા હતા. એક બિલ્ડિંગમાં એક રૂમ એક હોલ વાળા 32 મકાન છે. એવા 20 બિલ્ડીંગ છે. લગભગ તમામ જર્જરિત છે.
માનદરવાજા ટેનામેન્ટ ખાલી કરાવી પીડિત પરિવારોને અડાજણ EWS આવાસમાં મકાન અપાયા હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવારે કહ્યું હતું કે, જર્જરિત આવાસ કરતા અમારા ટેનામેન્ટના મકાન મજબૂત હતા. સિલિંગ તૂટી પડતા ઘરનો મોટાભાગનો સામાન પંખો, TV, ઘર વખરી બધું જ તૂટી ગયું છે.
2015માં બનેલા આવાસ 8 જ વર્ષમાં જર્જરિત થયા, મનપાના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પ્રશ્નાર્થ
આ તમામ આવાસના બિલ્ડીંગ 2015માં બન્યા હોવાની વાત સામે આવી છે. તેમજ બિલ્ડિંગના તમામ મકાન જર્જરિત હોવાનું સામે આવ્યું છે. સિમેન્ટ-રેતીના બદલે માટી નાખી બિલ્ડીંગનું ચણતર કર્યું હોય એમ લાગી રહ્યું છે. પહેલા મકાનમાં તિરાડ દેખાતી હતી. પછી પોપડા પડયા હવે સિલિંગ તૂટી રહી છે. ત્યારે પીડિતોએ હવે ક્યાં રહેવું અને કેવી રીતે રહેવું એ એક મોટો પ્રશ્ન છે.
