Dakshin Gujarat

આશીક બુરખો પહેરી ગર્લફ્રેન્ડને મળવા ગયો પણ લોકોએ એવું તો શું જોયું કે યુવાન પકડાઈ ગયો

દમણ : વાપીના એક આશીક યુવાનને બુરખો પહેરી દમણમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને મળવા જવાનું ભારે પડ્યું છે. યુવાન બુરખો પહેરીને રસ્તા પરથી મર્દાના ચાલ સાથે જઈ રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોને શંકા જતા યુવાનને પકડી લેતા ભાંડો ફૂટી ગયો હતો.

  • આશીક બુરખો પહેરી ગર્લફ્રેન્ડ મળવા ગયો પણ મર્દાના ચાલ જોઈ શંકા જતા લોકોએ યુવાનને પકડી પાડ્યો
  • વાપીના યુવાનનો બુરખા પહેરેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

શુક્રવારે મોડી સાંજે વાપીમાં રહેતો એક આશીક યુવાન દમણમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને મળવા માટે કાળા કલરનો બુરખો પહેરીને આવ્યો હતો. જ્યાં યુવાન ખારીવાડના ઘાંચીવાડ પાસેથી મર્દાના ચાલ સાથે પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની ચાલ પર શંકા જતા સ્થાનિક લોકોએ તેને અટકાવ્યો હતો. તેના મોઢા પરથી બુરખો ઉંચો કરતા બુરખામાં મહિલા નહીં પણ પુરુષ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ આશીક યુવાનનો ભાંડો ફૂટી ગયો હતો. બનાવને પગલે ઘાંચીવાડમાં લોકટોળું એકત્ર થઈ ગયું હતું. બાદમાં ઘાંચીવાડના લોકોએ આ અંગે નાની દમણ પોલીસને જાણ કરતા નાની દમણ પોલીસે પહોંચી યુવાનને બુરખા સાથે જ બાઈક પર વચ્ચે બેસાડી પોલીસ મથકે જરૂરી પુછપરછ માટે લઈ ગઈ હતી. જ્યાં આજરોજ યુવાનનને પોલીસ દ્વારા જરૂરી સમજણ આપી છોડી મુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બુરખો પહેરીને ગર્લફ્રેન્ડને મળવા આવેલા યુવાનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે ચર્ચાસ્પદ બની જવા પામ્યો છે.

Most Popular

To Top