SURAT

‘સ્માર્ટ મીટર લગાવવા ફરજ ન પાડો’, સુરતમાં આપના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરતમાં સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મઘ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. તે બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણાં લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે. ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા ની ફરિયાદો સામે આવી છે.

રજનીકાંત વાઘાણીએ કહ્યું કે, સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે અનેક ફરિયાદો હાલ કોર્ટ માં પેન્ડિંગ પણ છે, વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી. ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી.

હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે. જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુલ થઈ જશે એ પણ નક્કી જ છે. ટુંકમાં કહું સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, GUVNL ની અંડરમાં આવતી વીજકંપનીઓ ના કોઈ જ ગ્રાહકે સામે થી સ્માર્ટ મીટર નો આગ્રહ રાખ્યો નથી ઉલ્ટા નો તમામ લોકોએ વિરોધ કર્યો છે, તો પણ બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.

‘આપ’ દ્વારા કલેક્ટરને નમ્ર વિનંતી કરી હતી કે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા બધું સુવ્યવસ્થિત ચાલે છે તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા ગુજરાતની જનતા વતી અપીલ કરી હતી.

Most Popular

To Top