National

સ્વાતિ માલીવાલ કેસ: હાઈકોર્ટે વિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી બિભવ કુમારની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે બિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. બીજી તરફ માલીવાલ કેસમાં રિપોર્ટિંગ રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટે અરજદારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે જ્યારે માલીવાલને કોઈ વાંધો નથી તો તમે કોણ છો. આ અરજી માત્ર પ્રચાર માટે દાખલ કરવામાં આવી છે.

બિભવ કુમારે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા દાખલ કરાયેલા હુમલાના કેસમાં જામીન આપવાનો ઇનકાર કરતા ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. બિભવે અરજીમાં તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. બિભવે અરજીમાં તેની ગેરકાયદેસર ધરપકડ માટે વળતરની પણ માંગ કરી હતી. અરજીમાં બિભવે કહ્યું કે મારી ધરપકડ ગેરકાયદેસર છે. મને બળજબરીથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. બળજબરીથી કસ્ટડી માટે વળતર આપવું જોઈએ. પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસ થવી જોઈએ.

આ મામલામાં કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડી વધારી હતી. 28 મેના રોજ કોર્ટે ફરીથી AAP સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ચાર દિવસની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ બિભવને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાં બિભવની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ મેજિસ્ટ્રેટે ત્રણ દિવસની કસ્ટડી આપી હતી.

આ પહેલા 27 મેના રોજ તીસ હજારી કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી હતી. સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે 18 મેના રોજ બિભવ કુમારની ધરપકડ કરી હતી. સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાં એક તરફ સ્વાતિએ બિભવ પર મારપીટનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ વિભવે પોલીસમાં ફરિયાદ કરી છે કે સ્વાતિ પરવાનગી વિના મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં ઘૂસી ગઈ હતી. બિભવે સ્વાતિને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

Most Popular

To Top