રાંધણગેસના બાટલાના ભાવમાં રૂ. 50ના તોતિંગ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને કમ્મરતોડ ફટકો પડ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજ બરોજ પીસાતો જ જાય છે. રોજ બરોજ રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબતા થઇ ગયાં છે. આવી કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે. તેમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાંધણ ગેસના ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે અમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ ખરાબ છે આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા છે કે, ગેસના સિલિન્ડર પર સબસીડી આપવામાં આવશે અને વર્ષેમાં હોળી-દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી.
આ મુદ્દે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ₹ 50 નો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટ ને મોટી અસર થાય તેવું કામ કર્યું છે. આથી મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી અને જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો કરોડો લોકોને બે ટંક નુ ભોજન ખાવાના પણ ફાફા પડે તેમ છે. આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો ₹ 50 નો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડી વાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી – હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે.
