ભરૂચ: (Bharuch) દિલ્હી CM કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની (Chaitar Vasava) જાહેરાત કરતાં જ કોંગ્રેસ (Congress) પ્રદેશ મહામંત્રી ભરૂચના સંદીપ માંગરોલાએ જેલમાં તેઓને મળવા જવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરતાં જેલ ઓથોરિટીએ નામંજૂર કરી દીધી છે.
- AAPના MLA ચૈતર વસાવાને જેલમાં મળવા જવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીને મંજૂરી ન મળી
- AAPનો કોઈ જનાધાર નહીં: કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવા સંદીપ માંગરોલાની મીડિયા થકી ચૈતર વસાવાને હિમાયત
રાજપીપળા જેલમાં રહેલા ડેડિયાપાડાના ધારાસભ્યને મળવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ભરૂચના સંદીપ માંગરોલાએ જેલ ઓથોરિટીને મેઈલ કર્યો હતો. જો કે, ઇનચાર્જ જેલર આર.બી.મકવાણાએ બોમ્બે જેલ અધિનિયમ મુજબ તેઓ આરોપીના સગા કે તેમને સાથે રાખી મળવાના ન હોય નામંજૂરીનો વળતો પત્ર પાઠવ્યો છે.
જેલમાં ચૈતર વસાવાને મળવાની પરવાનગી ન મળતાં સોશિયલ મીડિયામાં કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી. ભરૂચ બેઠક પર આપનું વજૂદ જ નથી. નોટા કરતા પણ ઓછા મત મળ્યા હોય ત્યારે આદિવાસીઓના હિત અને હક માટે કોંગ્રેસ જ એકમાત્ર પ્લેટફોર્મ હોવાનું કહી ચૈતર વસાવા સહિત તમામ એન્ટી BJPને કોંગ્રેસના બેનર હેઠળ આવવા સુઝાવ કર્યો છે. તો I.N.D.I.A. ગઠબંધન વિરુદ્ધ જઈ કેજરીવાલે ભરૂચ બેઠક માટે ચૈતર વસાવાની કરેલી જાહેરાત સામે પણ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.