સુરત મનપાના વહીવટમાં ગંભીર ગોબાચારીનો આક્ષેપ આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો. વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ એક પત્રકાર પરિષદમાં ઓડિટ રિપોર્ટ ખુલ્લો પાડી અધિકારી, પદાધિકારીઓના મેળાપીંપણામાં ભારે ભ્રષ્ટ્રાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, સુરત શહેરના લોકો ટેક્સ ભરે છે વિકાસ માટે, પરંતુ પૈસા વપરાય છે મળતિયા ના ખીસ્સા ભરવા માટે. સુરત મહાનગરપાલિકાના ઓડિટ રિપોર્ટ સ્પષ્ટ બતાવે છે કે શહેરનું સંચાલન કોઈ યોજના, કોઈ જવાબદારી અને કોઈ નીતિ અને નિયંત્રણ વગર ચાલી રહ્યું છે. મહાનગર પાલિકા અત્યારે રામ ભરોસે ચાલી રહેલી છે. ઓડિટ રિપોર્ટ એ કોઈ વિરોધપક્ષનો દસ્તાવેજ નથી, એ મહાનગરપાલિકાનો પોતાનો દસ્તાવેજ છે અને એ જ મહાનગરને ખરી હકીકતનો અરીસો બતાવે છે.
જ્યાં શહેરના કરોડો રૂપિયાના કામો કાગળ પર પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ જમીન પર દેખાતા નથી, ત્યાં ભ્રષ્ટાચાર ના થાયતો શું થાય. જેમકે સ્વીપર મશીનના કામોમાં ભ્રષ્ટાચાર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં કોભાંડ ઉબેર કચરા કાંડ, સિક્યુરિટીમાં કોભાંડ, સિટી લિન્ક માં ભ્રષ્ટાયાર જેવા કામો માં બિલ કાગળ પર પૂરા દર્શાવાઇ છે પરંતુ જમીન પર એ પ્રમાણે કામ થતું નથી.
ઓડિટ રિપોર્ટની અમુક આંકડાકીય વિગતો
વર્ષ કેપિટલ ખર્ચ મરામત ખર્ચ
2021-22 1968 કરોડ 638 કરોડ 34%
2022-23 2515 કરોડ 795 કરોડ 31%
2023-24 3202 કરોડ 906 કરોડ 35%
મ્યુ. ઓડિટર ઓડિટ રિપોર્ટ માં સ્પષ્ટ જણાવે છે કે મહાનગરપાલિકાના મોટા પ્રોજેકટોના નિભાવ માટે કેપિટલ ખર્ચ 34% થયો છે. તો આ ખર્ચને ઓછો કરવા નવા પ્રોજેકટોની ડિઝાઇન કરતી વખતે ધ્યાન રાખવું. આનો મતલબ એવો થાય છે કે પ્રોજેકટોની ડિઝાઇનમાં વર્ષોથી ભૂલો હોવા છતાં માત્ર સુફિયાણી વાતો કરવા મતદારોને લુભાવવા અને ફુલગુલાબી ચિત્ર દેખાડવા માટે કરવામાં આવે છે.
મ્યુ. ઓડિટર રિપોર્ટ માં સ્પષ્ટ જણાવે છે કે મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત વધે અને આવનાર વર્ષ માં કેપિટલ તેમજ રેવેન્યુ ખર્ચ પર અંકુશ રાખવાની ખુબજ જરૂર જણાઈ છે. મહેકમ ખર્ચની વાત કરવામાં આવે તો 2021-22 કુલ આવક ના 48.26% મહેકમ ખર્ચની સામે 2022-23 કુલ આવક ના 48.87% મહેકમ ખર્ચ થયો હતો.
સુરત મહાનગરપાલિકાના વહીવટમાં ખૂબ મોટી અણઆવડત અને બની બેઠેલા સુફિયાણી વાતો કરતાં વર્ષોથી પાલિકાનું શાસકો ચલાવતા શાસકોની ટૂંકી બુદ્ધિ દેખાઈ આવે છે. સામાન્ય રીતે કોઈપણ કંપની કે સંસ્થા વ્યવસ્થિત રીતે ચલાવવા માટે મહેકમ ખર્ચ વધુ માં વધુ 31% થી નીચે હોવો જોઈએ, ત્યારે સંસ્થા કે કંપની વ્યવસ્થાપન સારી રીતે કરી શકે, પરંતુ આપણી મહાનગરપાલિકામાં આ શાસકોએ ભ્રષ્ટાચારીને છાવરી પોતાના માનીતા કોન્ટ્રાકટરોને ધનવાન બનાવવાના ચક્કરમાં પાલિકાઓનું દેવાળું ફૂંકી નાખ્યું. મહેકમ ખર્ચ આટલો બધો વધારે હોવા છતાં આજે પણ મહાનગરપાલિકામાં કર્મચારીની સતત ઘટ વર્તાતી ચાલી આવે છે. જો આ ઘટ પૂરી કરી દેવામાં આવે તો આ ખર્ચ આશરે 70% થી પણ વધી જાય છે.