નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની (Sanjay Singh) તિહાર જેલમાંથી (Tihar Jail) મુક્તિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટ્રાયલ કોર્ટ, રાઉસ એવન્યુ કોર્ટમાં જામીનની શરતો નક્કી કરવામાં આવી છે. તેમજ સંજય સિંહની પત્નીએ 2 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર મામલે કોર્ટનો આદેશ તૈયાર છે. જેની સુનાવણી માટે તેમને રાઉસ એવન્યુ કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવશે. તેમજને ગઇ કાલે મંગળવારે જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ લીગલ પ્રોસેસના કારણે તેમને આજે મુક્ત મળશે. સમગ્ર પ્રક્રિયામાં લગભગ બે કલાકનો સમય લાગી શકે છે. બીજી બાજુ સંજય સિંહને ILBS હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોર્ટે સંજય સિંહના જામીન માટે ત્રણ શરતો રાખી હતી. જેમાં કોર્ટે કહ્યું કે તેઓ જેલની બહાર જઈને લિકર પોલિસી કેસ સાથે સંબંધિત કોઈ નિવેદન આપશે નહી. તેમજ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે, અને જો તેઓ દિલ્હીની બહાર જશે, તો તપાસ એજન્સીને જાણ કરશો અને લાઇવ લોકેશન શેર કરશે.
દરમિયાન AAPના સાંસદ સંજય સિંહના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે દિલ્હી-NCR છોડતા પહેલા પૂર્વ પરવાનગી માટે શરતો લાગુ પાડવામાં ન આવે. તેઓ એક રાજકીય નેતા છે અને ચૂંટણીનો સમય છે. ત્યારે કોર્ટે કહ્યું કે તે દિલ્હી-એનસીઆર છોડતા પહેલા પોતાનો પ્રવાસ કાર્યક્રમ રજૂ કરશે.
AAP સાંસદ સંજય સિંહની માતા અને પુત્ર તેમને મળવા ILBS હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજય સિંહને લિવરમાં પીડા થતી હોવાને કારણે સારવાર માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સ (ILBS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ હોસ્પિટલમાં લિવરની બાયોપ્સી કરવામાં આવી હતી. આ તપાસ બાદ રિપોર્ટના આધારે આગળની સારવાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના સમાચાર સાંભળ્યા બાદ સંજય સિંહના સમર્થકો ઢોલ સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે સંજય સિંહની પત્ની અનિતા સિંહને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે પત્નીએ કહ્યું કે આ સંઘર્ષ લાંબો છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે ચાલુ રહેશે.
જ્યાં સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. અમે સંજય સિંહના બહાર આવવાની ઉજવણી કરી રહ્યા નથી. જામીન માટે અમે કોર્ટનો આભાર માનીએ છીએ.