SURAT

“આપ”નો કોર્ટમાં હોબાળો : જો સંસદ અને વિધાનસભા ઓફલાઈન ચાલે છે તો મનપાની મિટિંગ કેમ ઓનલાઇન?

સુરત: સુરત મનપા (smc) ની મુખ્ય કચેરીમાં ઓનલાઇન મીટિંગ (online meeting) યોજવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. પોલીસે આપના કોર્પોરેટરો સામે અભદ્ર વર્તન કરતાં તેનો પડઘો કોર્ટમાં પાડ્યો હતો. આપના નગરસેવકોએ કોર્ટમાં પોલીસના વર્તનની સામે ફરિયાદો કરી હતી સાથે જ કહ્યું હતું કે, ‘જો સંસદ અને વિધાનસભા ઓફલાઇન ચાલે છે તો મનપાની મીટિંગ ઓનલાઇન કેમ ?’ બીજી તરફ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર અને કાર્યકરોને જામીનમુક્ત કરાયા હતા.

મંગળવારે સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભા યોજાઇ હતી. મનપા કમિશનરને કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને સામાન્ય સભા ઓનલાઇન કરવા કહ્યું હતું. જેને લઇ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. તમામ કાર્યકરોએ મનપાની મુખ્ય કચેરીએ પહોંચી જઇ હોબાળો કરતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસે એક મહિલા કોર્પોરેટર સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું, જેનો વિડીયો વાઇરલ થયો હતો.

આપના કાર્યકરોની ધરપકડ

લાલગેટ પોલીસે આપના કાર્યકરોની ધરપકડ કરી બપોરના સમયે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં પણ આપના કાર્યકરોઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કોર્ટ કેમ્પસમાં મોટી સંખ્યામાં ટોળું ભેગું થઇ જતાં તેમને ગેટની બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ આપના કોર્પોરેટરોએ કોર્ટમાં લાલગેટ પોલીસની સામે ફરિયાદો કરી હતી. આપના કાર્યકરોએ ફરિયાદો કરતાં કહ્યું હતું કે, જો સંસદ અને વિધાનસભા ઓફલાઇન ચાલે છે. રાજકીય નેતાઓની મીટિંગો ઓફલાઇન ચાલે છે, તો પછી મનપાની સામાન્ય સભા શા માટે ઓનલાઇન ચાલે છે ? આ ઉપરાંત ઓનલાઇન મીટિંગમાં અવાજ પણ મ્યુટ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોર્ટે આપની ફરિયાદો લઇ તમામને જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.

જે ગાડીમાં લાવ્યા તે ગાડીમાં જ કોર્ટના ગેટ ઉપર ભાજપ હાય…હાય…ના નારા બોલાવાયા

લાલગેટ પોલીસ આપના કાર્યકરોને કોર્ટમાં રજૂ કરવા માટે લઇ ગયા હતા. અહીં કોર્ટના ગેટ ઉપર જ તમામ લોકોએ હોબાળો કરી નાંખ્યો હતો અને ભાજપ હાય…હાય…ના નારા લગાવ્યા હતા. જેને લઇને ઉમરા પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બે કલાક સુધી તમામ આપના કાર્યકરોને કોર્ટમાં રજૂ કરી અને તેઓને જામીન મળ્યાં ત્યાં સુધી પોલીસે ખડેપગે રહી હતી.

આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલા કોગ્રેસના પુર્વ નગર સેવક દિનેશ કાછડીયાને પણ સિક્યુરીટી ઓફિસરે એવું કહીને અટકાવ્યા હતાં કે તમે હવે નગર સેવક નથી તો કેવી રીતે અંદર જવા દઉ? જો કે કાછડીયાએ સામે પુછ્યું હતું કે કયો એવો નિયમ છે કે પુર્વ નગર સેવકોને મનપામાં પ્રવેશવા નહી દેવાય ? આ મુદ્દે ચિફ સિક્યુરિટી ઓફિસર સાથે વાત કરતા તેમણે એવો ખુલાસો આપ્યો હતો કે, આપના નગર સેવકો કાર્યકરો સાથે અંદર આવવા માંગતા હતા અને કાર્યકરો સાથે મંગળવારે ભારે ધમાલ કરી હતી તેથી તેને અટકાવ્યા હતાં.

સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે હવે 151 કલમ હેઠળ અટકાયત કરી તેમને જ્યારે નવી સિવિલ હોસ્પિ.માં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવે છે ત્યારે એક જ પોલીસ વાનમાં 15થી 20 જેટલા અટકાયતીઓને બેસાડવામાં આવે છે. ચેકઅપ દરમિયાન સમય લાગતાં એક જ વાનમાં આટલાબધાને રાખવામાં આવ્યાં હોવાથી કોરોનાની સોશિયલ ડિસન્ટન્સની ગાઈડલાઈનનો ભંગ થાય છે. બાદમાં તમામનો કોરોનાના રિપોર્ટ કરાવીને કોર્ટમાં રજૂ કરી છોડી દેવામાં આવે છે.આ રીતે જો પોલીસ દ્વારા એક જ વાનમાં અટકાયતીઓને ઠુંસીઠુંસીને ભરવામાં આવશે તો શું કોરોના વધુ નહીં ફેલાય? ખુદ પોલીસ જ આવું કરે તો લોકો ક્યાં જાય?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top