ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં (AAP) ત્રણ બેઠક ઉપર સેટિંગ કરી ટિકિટો અપાઈ હોવાના વાયરલ ઓડિયોએ (Audio) હડકંપ મચાવી દીધો છે. ભરૂચ જિલ્લા આપના પૂર્વ પ્રમુખ અને વાગરાના ઉમેદવાર જયરાજસિંહ રાજ તેમજ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી રમેશ દેવાણીનો આ વાયરલ ઓડિયો સામે આવ્યો છે. જેને લઈ હવે અનેક સવાલો અને તર્કવિતર્ક ઊભા થયા છે. ઓડિયોમાં જે વાત થઈ રહી છે તેમાં ભદ્રેશભાઈ આપના જિલ્લા ઉપપ્રમુખ છે. જ્યારે તેમનો પુત્ર ગુંજન પટેલ પ્રદેશ સોશિયલ મીડિયા કો-ઇનચાર્જ છે. ગુંજન પટેલ આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન અને ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક સાથે ઘણા નજીકના સંબંધ ધરાવે છે.
વાયરલ ઓડિયોમાં અંકલેશ્વરના રમેશ દેવાણીની જયરાજસિંહ સાથેની વાતમાં તેઓ કહી રહ્યા છે કે, ભદ્રેશભાઈએ ભરૂચ જિલ્લાની ૩ ટિકિટની જવાબદારી લીધી હતી. અને પાર્ટીને કહ્યું હતું કે, આ ત્રણ ટિકિટ તમે આપશો તો અમે પાર્ટી ખર્ચ તરીકેના ઉમેદવાર પાછળ ૨૫ લાખ પણ લઈશું નહીં ને તમામ ચૂંટણી ખર્ચ અમે કરીશું. બીજી તરફ વાગરા આપના ઉમેદવાર જયરાજસિંહ પણ ઓડિયોમાં સ્વીકારી રહ્યા છે કે, મને ભદ્રેશભાઈએ રૂ.૨૫ લાખ ખર્ચ આપ્યો છે. અંકલેશ્વરમાં અંકિત પટેલ, ભરૂચમાં મનહર પરમાર અને જંબુસરમાં સાજીદ રેહાનને આપમાંથી ટિકિટ આપ્યા બાદ ભરૂચ જિલ્લા આ આદમી પાર્ટીના પાયાના આગેવાનો તેમજ કાર્યકરોમાં ભારે નારાજગી સાથે વિરોધ ઊઠ્યો હતો.
હવે ટિકિટો આપવામાં સોદો થયો હોવાના વાયરલ ઓડિયોને લઈ આ બેઠકો ઉપર ટિકિટના ખરેખર દાવેદારો સહિત અગેવાનોમાં ચૂંટણી ટાણે જ ભારે નારાજગી ફેલાઈ ગઈ છે અને અંકલેશ્વરના જોઈન્ટ સેક્રેટરી રમેશ દેવાણીએ તો રાજીનામું ધરી દીધું હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. ભરૂચ જિલ્લામાં ૩ બેઠક ઉપર આપની ટિકિટમાં સોદો થયો હોવાના વાયરલ ઓડિયો અંગે જિલ્લા પ્રમુખ ઊર્મિબેન વાનાણી તેમની પાસે ઓડિયો આવ્યો જ નહીં હોવાનું કહી આ વિવાદમાંથી હાલ તો કિનારો કર્યો છે