સુરત: (Surat) સુરત મહાનગરપાલિકામાં (Surat Municipal Corporation) વિજેતા થયેલા આમ આદમી પાર્ટીના સભ્યો જીત બાદથી જાણે એક્શનમાં આવી ગયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના (AAP) ચુંટાયેલા સભ્યો પ્રજાના કામોમાં લાગી ગયા છે અને કામ ન થતા અધિકારીઓને આડે હાથ લઈ ખુલ્લેઆમ દાદાગીરી પણ કરી રહ્યા છે. વોર્ડ નં. 3 ના આપના ચૂંટાયેલા સભ્ય ધર્મેશ વાવલિયા જે રીતે લોકો પાસે મત માંગવા નીકળ્યા હતા તે જ રીતે લોકો પાસે હવે કામ માંગી રહ્યા છે. માઈક-સ્પીકર હાથમાં લઈ લોકોને કોઈ પણ કામ હોય તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર (Corporators) અને કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
- ‘કંઈપણ કામ હોય તો સંપર્ક કરજો’, આપના ચૂંટાયેલા ઉમેદવારો માઈક સાથે સોસા.માં નીકળી પડ્યાં
- આપના ઉમેદવારો ચૂંટાયા બાદ ભારે ઉત્સાહમાં આવી ગયા
- ચૂંટાયેલા ધર્મેશ વાવલિયાએ માઈક પર જ લોકોને કામ કરી આપવાની ખાતરી આપી
આમ આદમી પાર્ટીના વિજેતા થયેલા કોર્પોરેટર પ્રજા સમક્ષ જઇ હવે કામ માંગવા નીકળ્યા હતા. જીત્યા બાદ તેઓ પોતાના વોર્ડમાં આવતી સોસાયટીની મુલાકાત લઈ રહ્યા છે અને દર ત્રણ મહિને લોકો સમક્ષ આવીને જે કંઈ પણ સમસ્યા હશે તેનો નિરાકરણ લાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર વાવલીયાએ સ્પીકર અને માઈક લઈ કહ્યું હતું કે, મહાનગરપાલિકાના અધિકારી અથવા તો પોલીસ અધિકારી તમને હેરાન કરે તો પણ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. સરકારી યોજનાનો લાભ દરેકને મળી રહે આ માટે પણ લોકો આમ આદમી કાર્યાલયનો સંપર્ક કરજો. રાશનકાર્ડ ના હોય તો અમે ફોર્મ ભરી આપીશું, જો હોય તો જે અનાજ મળવા પાત્ર છે તે અપાવીશું. સુરતમાં પ્રથમ વખત ચુંટાયેલા પ્રતિનિધિને આ રીતે સામેથી પ્રજાના કામો માટે જાહેરાત કરવા નિકળતા જોઇ લોકો સાનંદાશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.