6 જૂનના ‘ગુજરાતમિત્ર’ અખબારના પહેલા પેઈજ પર આ વર્ષનું ચોમાસું ખોરવાશે એવા સમાચાર પ્રકટ થયા છે. ખેર, પ્રકૃતિ આગળ માનવી લાચાર છે. સમયસર ચોમાસું બેસે અને વરસાદ વરસે તો પ્રકૃતિના તમામ જીવ રાજી થતા હોય છે. પ્રાણી સાથે મનુષ્ય, પશુ પક્ષી વિશેષ કિસાનભાઈઓ રાજીના રેડ થતા હોય છે. શરૂઆત છે. હજુ પણ વહી નથી ગયું. આશા રાખીએ ચોમાસું સારું જાય. અહીં મને આજથી પચાસ સાંઠ વર્ષ પહેલાંની વાત યાદ આવે છે. એ સમય પર વરસાદને રિઝવવા માટે જાતજાતના પ્રયોગ કરવામાં આવતા હતા. એમાંનો એક ગામઠી પ્રયોગ મને સદા માટે યાદ રહી ગયો છે. બચપણમાં આ શહેરની છેવાડા વિસ્તારની ગરીબ બહેનો માથે મેહુલિયો મૂકીને ગલીગલીમાં ફરી વળતી. તળપદી ભાષામાં વિશિષ્ટ મીઠા અવાજમાં લહેકા સાથે મેહુલિયાને રીઝવવા માટે ગીતો ગાતી ગાતી આગળ વધતી જાય. ઘરની માતાઓ, બહેનો ગલીમાંથી બહાર નીકળે ત્યારે આખે આખી પલળી જતી. પાણીની ધારા એના માથા પરથી વહી જતી. દરેક ઘરમાંથી એ બહેનોને શક્તિ પ્રમાણે ભક્તિ કરી પૈસા આપતી. એવું કહેવાય છે કે આ આવકમાંથી એ બહેનોનું એના પરિવારનું એ જમાનામાં ગુજરાન ચાલતું. નિર્દોષ બહેનોની માતાને કરેલ પ્રાર્થના ફળતી અને વરસાદ પડતો. એ ભલી બહેનોના ગીતના શબ્દો હજુ આજે પણ કાનમાં ગૂંજે છે. અમારા પરિવારનાં ભાઈ-બહેનો જ્યારે પણ ભેગાં થઈએ છીએ ત્યારે એ ગીતને લલકારીને એની મજા લૂંટીએ છીએ. અને બચપણની યાદમાં ખોવાઈ જઈએ છીએ. એ બધું આજે પણ ભુલાતું નથી. એ ગીતના શબ્દો આ મુજબ છે. ‘માંડી રે મારી સાકરે ભવાની મા, અંબા ભવાની મા’ ‘હું તો તારી પૂજા કરીશ મૈયા રાજ.’ સમય પરિવર્તન સાથે પેલા સાકરે કયા ખોવાઈ ગઈ છે એની ખબર નથી. ભવાની અને અંબા ભવાનીવાળી એ બધી બહેનો હવે જોવા મળતી નથી, એને સમયની બલિહારી ગણવી પડે.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માનવીનું ધારેલું કદી પણ થતું નથી
ખરેખર શુક્રવાર ગોઝારો નીવડયો. આમ પણ ગાંધીજીની હત્યા શુક્રવારે જ થઇ હતી. ઇસુ ખ્રિસ્તને શૂળી પર શુક્રવારે જ ચડાવેલા. આવા તો ઘણા શુક્રવારો ગોઝારા હતા. આ તો ખાલી માનસિક વિચારોનું વકતવ્ય લેખિતમાં રજૂ કરીએ છીએ. તા. 2.6.23નો શુક્રવાર પાછો ગોઝારો નીકળ્યો. આ રેલવેનો બહુ મોટો અકસ્માત છે. કદાચ આ સદીનો ભીષણ રેલવે અકસ્માત કહી શકાય એવું ન્યૂઝમાં પણ આવ્યું. માણસ શું ધારે ને શું થઇ જાય. ઘરેથી ગંતવ્યસ્થાને જવા નીકળેલા આ બધાનું ગંતવ્યસ્થાન તો ઉપર જવાનું લખાઇ ગયું. ખૂબ દુ:ખ થયું. ઘાયલોને જલદી સારા કરે અને સ્વધામ પહોંચેલાં બધાં દેવલોકોને શ્રધ્ધાંજલીનાં પુષ્પો અર્પણ.
સુરત – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.