આમોદ તિલક મેદાન પાસેના સરકારી અનાજ ગોડાઉનમાં રજાના બે દિવસ દરમ્યાન અજાણ્યા તસ્કરો ઘૂસીને ખાંડ અને ઘઉંની કુલ 43 ગુણ કિંમત રૂ.25,300/- મત્તાની ચોરી કરી ગયા હતા. આમોદ નગરમાં તિલક મેદાન પાસે આવેલા સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે. તા-19 જુનથી 20 જુન શનિ અને રિવવાર હોવાથી ગોડાઉન બંધ હતું .ગોડાઉન એ જગ્યાએ હોવાથી સીસીટીવી કે અન્ય સેફટીની કોઈ સુવિધા ન હતી .ગત-19મી જુનથી છેક 21મી જુન વચ્ચે ચોરો ગોડાઉનમાં ઘૂસી ગયા હતા.
ગોડાઉનમાં મુકેલો ખાંડની 50 કિલોગ્રામની 21 બોરી (ગુણ) સરકારી વેચાણ એક કિલોગ્રામની કિંમત રૂ. 22/-લેખે કુલ વજન ૧૦૫૦ કિલોગ્રામના કુલ કિંમત રૂ.23100/- તેમજ ઘઉંની 50 કિલોગ્રામની 22 બોરી જેની સરકારી ભાવ પેટે એક કિલોગ્રામના રૂ.2/- મળીને કુલ 11૦૦ કિલોગ્રામ કુલ કિંમત રૂ.2200/-ની ચોરી કરી ગયા હતા..ખાંડ અને ઘઉં બંને મળીને કુલ રૂ.25,૩૦૦/- મતાની ચોરી થતા ગોડાઉન મેનેજર બી.વી.વસાવાએ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં હજારો કવીન્ટલ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે છતાં અનાજના ગોડાઉનને માત્ર મેઈન દરવાજાએ જ તાળું મારવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે દરવાજા સળીયા નટ- બોલ્ટના સહારે બંધ કરવામાં આવે છે.તેમજ ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા પણ ન હોવાથી અનાજ ચોરી અંગે અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. અચાનક ખાંડ અને ઘઉં ચોરાવાની ઘટનાથી પોલીસ વિભાગ તટસ્થતા તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે એમ છે.