સુરત: (Surat) દિલ્હીની કેજરીવાલની સરકારનો દાવો છે કે, દિલ્હીમાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓ (Schools) જેવી જ કે તેનાથી પણ વધુ સારી છે. આ મુદ્દો વારંવાર અન્ય રાજ્યોમાં પણ પ્રોજેક્ટ કરવામાં આવે છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ હાલ જ ગુજરાતમાં આવી અહીંની સરકારી શાળાની મુલાકાત લીધી હતી અને અહીંની શાળાની બદ્દતર તસવીરો પણ જાહેર કરી હતી. આ મુદ્દાને હવે ‘આપ’એ હાથ પર લઈ ગુજરાતનું શિક્ષણ સ્તર ઉજાગર કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે અને ગુજરાતની પ્રજાને મોબાઈલ વોટ્સઅપ નંબર 9512040404 પર લોકોને તેમના વિસ્તારની અને આસપાસની સ્કૂલોના વિડીયો તેમજ ફોટો મોકલવા અપીલ કરી છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, રાજ્યમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં શિક્ષણની કેવી સ્થિતિ છે. તે અંગે જાણવાનો પ્રયાસ શરૂ કરાયો છે. રાજ્યભરમાંથી દરેક જિલ્લાઓમાં આવેલી શાળાઓની સ્થિતિ કેવી છે. તેને લઈને લોકોને જ પોતાના વિસ્તારની શાળાના ફોટો અને વીડિયો મોકલવા માટે કહેવામાં આવ્યું છે. જેથી લોકો સાથે આમ આદમી પાર્ટીનો સંપર્ક પણ કેળવાય અને તેમને સરળતાથી રાજ્યભરની શાળાઓની સ્થિતિ અંગેનો સાચો ચિતાર મળી જાય. દરેક જિલ્લામાં નંબર આપવામાં આવ્યો છે. જેના થકી લોકો પોતાના વિસ્તારની શાળાઓની માહિતી શેર કરી શકાશે તેમજ આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓને પણ ગુજરાતની આવી શાળાઓના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
દિલ્હીમાં ખાનગી સ્કૂલોએ 7 વર્ષથી ફી નથી વધારી, ગુજરાતમાં આવું ક્યારે થશે? : આપ
ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતમાં (Gujarat) સતત શિક્ષણનો (Education) મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે. આજે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ (Gopal Italiya) પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ગુજરાતમાં શિક્ષણને વેપાર બનાવી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સ્કૂલોને ફાયદો થાય તે માટે સરકારી શાળાઓના વહીવટને ખાડે જવા દેવાયો છે. ગુજરાતમાં ખાનગી શાળાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. બીજી તરફ સરકારી સ્કૂલો બંધ થઈરહી છે. ખાનગી શાળાઓમાં બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવી રહ્યાં હોવાનું ઈટાલિયાએ જણાવ્યું હતું.