રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારથી ધમાસાણ જોવા મળી રહ્યું છે. વિસાવદર અને સુરતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં ભરૂચમાં આપના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 30ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં વિસાવદરના લેરિયા ગામે પચાસ જેટલા સરપંચો ‘આપ’ પાર્ટી જોડાતાં તેમના આમંત્રણનો કાર્યક્રમ હતો.
જેમાં ‘આપ’ પાર્ટીના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતા સાંજે લેરિયા પહોંચ્યા ત્યારે તેમની પર હુમલો થયો હતો, જેમાં હરેશ સાવલિયા નામના એક કાર્યકર્તાને વધુ ઇજા થઈ હતી. ઇશુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં હતા એના કાચ પણ તોડાયા હતા. ‘આપ’ના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ પણ કરવો પડયો હતો. આ ઘટનાની સ્યાહી સુકાય તે પહેલાં ગોપાલ ઇટાલીયાના સુરત સ્થિત નિવાસે પણ હુમલો કરાયો હતો.
આ બંને હુમલાઓની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યવ્યાપી કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સોમવારના રોજ ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ વિરોધી નારેબાજી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરી હતી. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના નેતાઓને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે સાથે માંગણીઓને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આપ પાર્ટી અહિંસક રીતે શાંતિના રસ્તે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.