ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે તેના ઉમેદવારો જાહેર કરી દીધા તે સાથે ગુજરાતનો ચૂંટણી જંગ રસપ્રદ તબક્કામાં પ્રવેશ્યો છે. ભાજપના મોવડીમંડળે હિંમત કરીને વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા જેવા જૂના જોગીઓને ઘરે બેસવાની ફરજ પાડી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલને ફુલ સત્તા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જો ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બને અને તેમની ટીમને એકાદ બે ફેરફારો સાથે ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વીરમગામ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જો ભાજપની સરકાર બને તો હાર્દિક પટેલને પ્રધાનપદું પણ મળી જશે. ૨૦૧૭માં કોંગ્રેસે ઉજળો દેખાવ કર્યો તેની પાછળ હાર્દિક પટેલની મહેનતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપનો ફાયદો તે કોંગ્રેસનો ગેરફાયદો છે. ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉથલપાથલ સર્જી શકે તેમ છે.
ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપ હંમેશા શહેરી બેઠકો પર પોતાની તાકાત બતાડતું આવ્યું છે તો કોંગ્રેસની તાકાત ગ્રામિણ બેઠકો છે. ૨૦૧૭માં કોંગ્રેસે ગ્રામિણ વિસ્તારોમાં ભાજપ કરતાં વધુ બેઠકો મેળવી હતી. તેનો સ્કોર ૫૭થી વધીને ૭૧ ઉપર પહોંચી ગયો હતો, જ્યારે ભાજપનો સ્કોર ૭૭થી ઘટીને ૬૩ ઉપર અટકી ગયો હતો. ગુજરાતમાં શહેરોની ૪૨ બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો ભાજપ જીતી જાય છે. ૨૦૧૭માં ભાજપને બહુમતી મળી તેમાં શહેરી બેઠકોનો મોટો ફાળો હતો. શહેરોની ૪૨ પૈકી ૩૬ બેઠકો ભાજપના ફાળે આવી હતી. આ વખતે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવાં શહેરોમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર અજમાવી રહી છે. જો તેઓ કોંગ્રેસના મતો તોડે તો ભાજપને ફાયદો થાય, પણ જો તેઓ શહેરોમાં ભાજપની બેઠકો તોડે તો તેનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. આમ આદમી પાર્ટી ચૂંટણીનાં બધાં ગણિતો ઊંધાં વાળી શકે તેમ છે.
૨૦૨૧માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં અને મુખ્ય વિપક્ષનું સ્થાન તેની પાસેથી ઝૂંટવી લીધું હતું. ત્યાર બાદ ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણી થઈ તેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ધુલાઈ કરી હતી, જેને કારણે ભાજપને પહેલી વખત સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી મુખ્યત્વે કોંગ્રેસના મતો જ કાપતી હોવાથી તેને ભાજપની બી-ટીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ ચૂંટણીનું ગણિત જટિલ હોય છે. આમ આદમી પાર્ટીની હરીફાઈ કોંગ્રેસ કરતાં ભાજપ સાથે વધુ છે. કોંગ્રેસની મતબેન્કમાં જે દલિતો અને વનવાસીઓ છે તેમાં આમ આદમી પાર્ટી બહુ ઘૂસણખોરી કરી શકે તેમ નથી. તેનું મુખ્ય ટાર્ગેટ શહેરી મધ્યમ વર્ગ છે, જે ભાજપની પણ મતબેન્ક છે.
ભાજપ ચૂંટણીઓમાં હિન્દુ કાર્ડ ખેલી રહ્યું છે તો અરવિંદ કેજરીવાલ બહુ ખૂબીપૂર્વક સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલી રહ્યા છે. તેઓ પોતાની જાતને હનુમાનજીના ભક્ત ગણાવે છે અને હનુમાન ચાલીસા કડકડાટ બોલી શકે છે. અરવિંદ કેજરીવાલ મુસ્લિમોની તરફેણ કરે તેનો બહુ પ્રચાર કરતા નથી, પણ હિન્દુ મંદિરોમાં દર્શન કરવા જાય તેનો બહુ પ્રચાર કરે છે. આ રીતે તેઓ શહેરી મુસ્લિમો ઉપરાંત હિન્દુઓના મતો મેળવવામાં સફળ બને છે. આમ આદમી પાર્ટીનો સૌથી મોટો મદાર પાટીદાર મતો ઉપર છે. સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત અને રાજકોટ જેવાં શહેરોમાં અમુક બેઠકો ઉપર પાટીદાર મતો નિર્ણાયક ભાગ ભજવે છે. મહેસાણા પણ પાટીદારોનો ગઢ મનાય છે. ત્યાંથી નીતિન પટેલને ટિકિટ આપવામાં નથી આવી તેનો લાભ આમ આદમી પાર્ટીને થઈ શકે છે. ભાજપના કેટલાક અસંતુષ્ટ નેતાઓ ખાનગીમાં આમ આદમી પાર્ટીને જીતવામાં સહાયરૂપ થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીને માત્ર કોંગ્રેસના મત કાપનારી પાર્ટી ગણવામાં ભાજપની ભૂલ હશે. જો તેના ઉમેદવારો શહેરી વિસ્તારોમાં ભાજપના મતો તોડી શકે તો તે બેઠકો ઉપર કોંગ્રેસના વિજયની સંભાવના વધી જાય છે, કારણ કે શહેરી મુસ્લિમો ક્યારેય ભાજપને મત આપવાના નથી. આમ આદમી પાર્ટી મુસ્લિમોના મતો મેળવે તો તે કોંગ્રેસને નુકસાન કરશે, પણ હિન્દુઓના મતો તોડશે તો તે કોંગ્રેસના ફાયદામાં હશે. ભાજપ ગુજરાતમાં ૨૭ વર્ષથી સત્તામાં છે, તેનો પણ મતદારોને થાક વર્તાઈ રહ્યો છે. આ ૨૭ વર્ષ દરમિયાન કોંગ્રેસ નાબૂદ નથી થઈ પણ ટકી રહી છે. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસને ૭૭ બેઠકો અને ૪૦ ટકા મતો મળ્યા હતા. જો તેને ૧૦ ટકા વધુ મતો મળી જાય અને ૨૦ બેઠકો વધુ મળી જાય તો કોંગ્રેસના ૨૭ વર્ષના અરણ્યવાસનો અંત આવી શકે છે.
આમ આદમી પાર્ટી ભાજપની જેમ કોંગ્રેસની ટીકા કરવામાં પાછું વાળીને જોતી નથી, પણ તે ભાજપ કરતાં કોંગ્રેસની વધુ નજીક છે. ભાજપ હાર્ડ હિન્દુત્વનું કાર્ડ રમે છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સોફ્ટ હિન્દુત્વની રમત રમે છે. જો ગુજરાતની ચૂંટણીમાં ભાજપને અને કોંગ્રેસને બંનેને લગભગ ૮૦-૮૦ બેઠકો મળે અને આમ આદમી પાર્ટીને ૨૦ જેટલી બેઠકો મળે તો આમ આદમી પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી જશે. જો ગુજરાતમાં ત્રિશંકુ વિધાનસભા થાય તો નાના પક્ષોની કિંમત બહુ વધી જશે, જેમાં આમ આદમી પાર્ટી પણ સામેલ હશે.
જો આમ આદમી પાર્ટીને પસંદગીની તક આપવામાં આવે તો તે ભાજપ કરતાં કોંગ્રેસની સાથે જશે. ૨૦૧૪માં દિલ્હી વિધાનસભામાં કોઈ પક્ષને બહુમતી મળી નહોતી ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને ૪૯ દિવસ સરકાર ચલાવી હતી અને ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો. ગુજરાતમાં જો ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ થાય તો તેનું પુનરાવર્તન થઈ શકે છે. જો કે તેવા સંયોગોમાં આમ આદમી પાર્ટી ભાજપ સાથે નહીં જ જાય, તેવું પણ કહી શકાય તેમ નથી. તો આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ કહેવામાં આવે છે તે સાબિત થઈ જશે. રાજકારણ તકવાદનું બીજું નામ છે.
ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને વહીવટ કથળી ગયો છે, તે આંધળો પણ જોઈ શકે તેવું સ્પષ્ટ છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ગુજરાત તેના સારા રસ્તાઓ માટે વિખ્યાત હતું. આજે નેશનલ હાઇ વે સિવાયના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. નગરપાલિકાઓના રસ્તાઓ તો ચંદ્રની સપાટીની યાદ અપાવે તેવા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. ગુજરાતનો વહીવટ પ્રધાનો નથી ચલાવતા પણ બાબુઓ ચલાવે છે. કોરોના દરમિયાન લોકડાઉનને કારણે પ્રજા હાડમારીઓનો સામનો કરી રહી હતી ત્યારે જનતાના પ્રતિનિધિઓ ખોવાઈ ગયા હતા અને કલેક્ટરોના હાથમાં અમર્યાદ સત્તા આવી ગઈ હતી.
તેઓ રોજે રોજ નવા ફતવાઓ બહાર પાડીને લોકોને હેરાન કરતા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટા ભાગના પ્રધાનો નવા નિશાળિયા જેવા છે. તેમને વહીવટનો કોઈ અનુભવ નથી. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ગુજરાત મોડેલની પોલ છતી થઈ ગઈ છે. ભાજપની હાલત આટલી કફોડી હોવા છતાં ગુજરાત કોંગ્રેસ તેનો લાભ ઉઠાવી શકે તેમ નથી. તેનો નેતા કોણ હશે? તે પણ નક્કી નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ગુજરાતની ઉપેક્ષા કરવામાં આવી છે. તેમ છતાં ભાજપથી કંટાળેલા મતદારો ભાજપને પાઠ ભણાવવા વિપક્ષોને મત આપીને ગુજરાતમાં મોટો ચમત્કાર સર્જી શકે તેમ છે.