સુરત: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) કોર્પોરેટરો (Corporators) બાદ હવે તેમના પરિવારજનો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવવા માંડ્યા છે. સુરતના (Surat) વરાછા વિસ્તારમાં આપના મહિલા કોર્પોરેટરના પતિએ જાહેર રોડ પર શનિવારે તમાશો કર્યો હતો. આપના મહિલા કોર્પોરેટરના પતિ અને સ્થાનિક વેપારી વચ્ચે વાહન પાર્ક (Parking) કરવા મામલે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી. આ બબાલ જોવા માટે લોકના ટોળાં ભેગા થઈ ગયા હતા.
- દુકાનની સામે બાઈક પાર્ક કરવાના મામલે કોર્પોરેટર મનિષા કૂકડીયાના પતિ જગદીશ કૂકડીયાનો દુકાનદાર સાથે ઝઘડો
- મહિલા કોર્પોરેટરના પતિના ઉદ્ધત વર્તનના પગલે દુકાનદારો ઉશ્કેરાયા, લોક ટોળું ભેગું થઈ ગયું
મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી સુરતના મહિલા કોર્પોરેટર મનિષાબેન કુકડીયાના પતિ વરાછાના ખોડીયાર નગર ખાતે કોઇ કામ માટે ગયા હતા. તેઓએ એક વેપારીની દુકાન સામે જ પોતાની બાઇક પાર્ક કરી દીધી હતી. ત્યારે તે દુકાનદાર તેમને કહેવા ગયા હતા કે, દુકાન સામે ગાડી કેમ પાર્ક કરો છો. દુકાનદારે ટકોર કરતા આપના મહિલા કોર્પોરેટરના પતિ જગદીશ કુકડીયાનો પારો વધી ગયો હતો. તેમણે ઉદ્ધત ભાષામાં દુકાનદારને રોકડું ચોપડાવી દીધું હતું કે, આ ક્યાં કોઇના બાપનો રસ્તો છે? આ સાથે જ જગદીશ કુકડીયાએ દુકાનદારને ધમકી આપી દીધી હતી કે, તારે જેને કહેવું હોય તેને કહી દે, હું બાઈક નહીં હટાવું.
જગદીશ કુકડીયાના રફ જવાબથી દુકાનદાર પણ ગિન્નાયો હતો. બંને પક્ષ બોલાચાલી અને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. દોઢ કલાક સુધી ચાલેલી માથાકૂટ બાદ મામલો શાંત પાડયો હતો. એકઠા થઈ ગયેલા ટોળાએ તેમને કહ્યું કે, તમે પોતે પ્રજાના પ્રતિનિધિ છો અને આ પ્રકારનો વ્યવહાર કરો છે તે કેટલું યોગ્ય છે.