અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો ત્યારે લાગતું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીદારો ભારતની રાજનીતિને એક નવો વળાંક આપશે, જેમાં ભ્રષ્ટાચારને અને અમલદારશાહીને કોઈ સ્થાન નહીં હોય. કોલસાની દલાલીમાં હાથ કાળા થયા વિના ન રહે તે ન્યાયે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતની રાજનીતિને સ્વચ્છ નથી બનાવી શક્યા, પણ સત્તા મેળવવાના અને તેને ટકાવી રાખવાના પ્રયાસોમાં પોતે ગંદા થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના એક ડઝન જેટલા વિધાનસભ્યો ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં જઈ આવ્યા છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ડાબા અને જમણા હાથ ગણાતા સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયા પણ જેલની હવા ખાઈ રહ્યા છે. મનિષ સિસોદિયાની ધરપકડને પગલે અરવિંદ કેજરીવાલે સીબીઆઈ પર કિન્નાખોરીનો આક્ષેપ કર્યો છે, પણ જ્યાં ધુમાડો નીકળતો હોય ત્યાં આગ જરૂર હોય છે. જો લિકર કૌભાંડમાં મનિષ સિસદિયાએ કંઈ ખોટું ન કર્યું હોત તો સીબીઆઈ તેમને હાથ પણ લગાડી ન શકી હોત. ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે આમ આદમી પાર્ટીનો હવામાં અદ્ધર ચાલતો રથ જમીન પર આવી ગયો છે અને ગમે ત્યારે ભાંગી પડે તેવો ભય પેદા થયો છે.
દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી અરવિંદ કેજરીવાલે પંજાબ, ગોવા અને ગુજરાતમાં સરકાર બનાવવા કમ્મર કસી હતી, પણ પંજાબ સિવાયનાં કોઈ રાજ્યમાં તેને સફળતા મળી નથી. ગુજરાતમાં તો તેનો કરુણ રકાસ થયો હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થતાં અરવિંદ કેજરીવાલની આબરૂ બચી ગઈ હતી. અરવિંદ કેજરીવાલની નજર ૨૦૨૪માં આવનારી લોકસભાની ચૂંટણીઓ પર છે, જેમાં તેઓ દિલ્હીની સાતેય બેઠકો જીતવા માગે છે, પણ મનિષ સિસોદિયાની ધરપકડને પગલે તેમાં પણ શંકા પેદા થઈ છે. ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે અરવિંદ કેજરીવાલના રાષ્ટ્રીય નેતા બનવાનાં સપનાંઓ ચકનાચૂર થઈ ગયાં છે.
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સામેના કેસનું કેન્દ્રબિંદુ દિલ્હી સરકારની લિકર પોલિસી છે. દિલ્હી સરકાર દ્વારા નવેમ્બર ૨૦૨૧માં અમલમાં લવાયેલી શરાબ નીતિનું ધ્યેય દારૂના વેપારીઓને ફાયદો કરાવવાનું હતું, પણ તેનો અમલ જે રીતે કરવામાં આવ્યો તેને કારણે ગેરકાયદે દારૂ વેચતા શરાબ માફિયાઓને ફાયદો થયો હતો. સરકાર દ્વારા જે ૬૦૦ દારૂની દુકાનો ચાલતી હતી તે બંધ કરી દેવામાં આવી હતી અને તેને બદલે ૮૫૦ ખાનગી દુકાનોને શરાબ વેચવાનાં લાઇસન્સો આપવામાં આવ્યાં હતાં. દિલ્હી શહેરના ૩૨ ઝોનમાં પાંચ-પાંચ પ્રિમિયમ લિકર શોપ ખોલવાનાં લાઇસન્સો આપવામાં આવ્યાં હતાં, જેનો મિનિમમ એરિયા ૨,૫૦૦ ચોરસ ફીટ હતો. આ પ્રિમિયમ લિકર શોપનો ઉદ્દેશ મહિલાઓ પણ સહેલાઈથી દારૂ ખરીદી શકે તેવો હતો.
કેટલીક ક્લબોને, ફાર્મ હાઉસોને, પાર્ટી પ્લોટને, બેન્ક્વેટ હોલને, મોટેલને અને મેરેજ હોલને ૨૪ કલાક દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના સિવાય જે હોટેલો અને રેસ્ટોરાંને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી હતી તેમને સવારે ૩ વાગ્યા સુધી ધંધો કરવાની છૂટ આપવામાં આવી હતી. દિલ્હીમાં અગાઉ ૨૫ વર્ષથી નીચેના યુવાનોને દારૂ વેચવાની અને પીવાની પરમિટ આપવામાં આવતી નહોતી. તેને કારણે દિલ્હીના ૨૫ વર્ષ નીચેના યુવાનો દારૂ ખરીદવા ફરીદાબાદ અને નોઇડા જતા હતા. દિલ્હી સરકારે દારૂ ખરીદવાની ઉંમર ઘટાડીને ૨૧ વર્ષની કરી નાખી હતી. શરાબના વેપારીઓ દ્વારા સરકારની આ નીતિની પ્રશંસા કરવામાં આવી હતી.
દિલ્હી સરકારની ધારણા હતી કે તેની નવી શરાબ નીતિને કારણે ગેરકાયદે દારૂનું વેચાણ ઘટશે અને કાયદેસરનું વેચાણ વધશે, જેને કારણે સરકારની આવકમાં વાર્ષિક ૨૦ ટકાના દરે વૃદ્ધિ થશે, પણ સરકારની ગણતરીઓ ઊંધી વળી ગઈ હતી. દારૂનું વેચાણ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યું કે તરત તેમણે ભાવો વધારી મૂક્યા હતા. તેમની દલીલ એવી હતી કે તેમણે જે ભારે લાઇસન્સ ફી ચૂકવવી પડે છે તે કાઢવા માટે શરાબની કિંમત વધારવી જરૂરી હતી.
દારૂના ભાવો વધતા જ તેમનું વેચાણ ઘટી ગયું હતું. લોકો લાઇસન્સ ધરાવતી દુકાનોને બદલે લિકર માફિયાઓ દ્વારા ચાલતી દુકાનોમાંથી શરાબ ખરીદવા લાગ્યા હતા, જેને કારણે કાયદેસરની દુકાનો ફટાફટ બંધ થવા લાગી હતી. જે ૮૪૯ દુકાનોને લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં તેમાંથી ૨૦૨૨ના જુન મહિનામાં માત્ર ૪૬૪ દુકાનો જ ચાલુ હતી, જેમનો ધંધો પણ ખોટમાં ચાલતો હતો. દિલ્હી સરકારને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો, જેને કારણે તેમણે તા. ૧ ઓગસ્ટથી જૂની નીતિ પડતી મૂકી હતી.
દારૂના ખાનગી વેપારીઓને નફો થાય તે માટે દિલ્હી સરકાર કમ્મરેથી બેવડ વળી ગઈ હતી. તેણે રાજ્યમાં ડ્રાઇ ડેની સંખ્યા ૨૧થી ઘટાડીને ૩ કરી આપી હતી. દારૂની બોટલ પર અગાઉ ૨.૫ ટકા કમિશન લેવાતું હતું તે વધારીને ૧૨ ટકા કરી આપવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ દરમિયાન લોકડાઉનના કારણે દુકાનો બંધ હતી તો દારૂની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. દિલ્હીની સરકાર જાણે શરાબના વેપારીઓના ખોળામાં બેસી ગઈ હતી.
દારૂના વેપારીઓને થયેલી ખોટ ભરપાઇ કરવા તેમની લાઇસન્સ ફીના ૧૪૪ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. એક વેપારીએ એર પોર્ટ પર દુકાન ખોલવાનું લાઇસન્સ લીધું અને તેના પેટે ૩૦ કરોડ રૂપિયા ડિપોઝીટ ભરી હતી. તેને એર પોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી ન મળતાં તે દુકાન ખોલી શક્યો નહોતો. કાયદા મુજબ તેની ડિપોઝીટ જપ્ત થાય, પણ દિલ્હી સરકારે તેનું રિફન્ડ આપ્યું હતું. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને આ પ્રકરણમાં કૌભાંડની ગંધ આવતાં તેમણે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરી હતી. ભાજપનો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટીને પંજાબની ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર હતી. આ જરૂર પૂરી કરવા તેમણે શરાબના વેપારીઓ સાથે તડજોડ કરીને નીતિ બદલી હતી. નવી નીતિનો ફાયદો લિકર લોબીને ન થયો તેનો ખ્યાલ આવતાં ફરીથી જૂની નીતિ લાવવામાં આવી હતી.
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા દારૂબંધી ખાતું પણ સંભાળતા હોવાથી લિકર કૌભાંડ માટે તેમને સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે. દિલ્હી રાજ્યના ચીફ સેક્રેટરીના રિપોર્ટ પ્રમાણે કોરોના કાળમાં મનિષ સિસોદિયા દ્વારા દારૂબંધીની નીતિમાં ફેરફાર કરતાં જે કોઈ નિર્ણયો લેવામાં આવ્યા તે ગેરકાયદે કમાણી કરવાના ઇરાદાથી લેવામાં આવ્યા હતા. સીબીઆઈના જણાવ્યા મુજબ નવી દારૂબંધીની નીતિ ઘડવા માટે જે બેઠકો થઈ હતી, તેની મિનિટ્સ લખાઈ હતી અને તેમાં જે ઠરાવો થયા હતા તે બાબતની મહત્ત્વની ફાઈલો ગુમ કરી દેવામાં આવી છે.
સીબીઆઈ દ્વારા મનિષ સિસોદિયાની ૮ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, પણ તેમણે તમામ સવાલોના ઉડાઉ જવાબો આપ્યા હતા. લિકર માફિયાઓ તેમ જ અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે મનિષ સિસોદિયા દ્વારા ચાર સીમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ૧૮ હેન્ડસેટ વાપરવામાં આવ્યા હતા. આ તમામ હેન્ડસેટનો પત્તો લાગતો નથી. મનિષ સિસોદિયાના નજીકના સાથીદાર દિનેશ અરોરા તાજના સાક્ષી બની જતાં સીબીઆઈનો કેસ મજબૂત થયો છે. ભ્રષ્ટ સાથીદારોથી ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ તેમની મિસ્ટર ક્લિનની ઇમેજ જાળવી શકે તે શક્ય જણાતું નથી.