SURAT

VIDEO: ગુજરાત સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી, ગૃહમંત્રી રાજીનામું આપેઃ સુરતમાં આપના ધરણાં

સુરતઃ વડોદરામાં 16 વર્ષીય સગીરાના બળાત્કારની ઘટના બાદ રાજ્ય હચમચી ગયું છે. દિન પ્રતિદિન રાજ્યમાં મહિલાઓ સાથે અત્યાચાર, દુષ્કર્મની ઘટનાઓ વધી રહી હોય આ મામલાએ રાજકારણનું રૂપ ધારણ કરી લીધું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આજે સુરતની કલેક્ટર કચેરી બહાર આ મામલે ધરણાં, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર વિરુદ્ધ આપના કાર્યકરોએ નારેબાજી કરી હતી. મંજૂરી વિના ધરણાં પ્રદર્શન કરાયું હોય પોલીસે આપના કાર્યકરોને ધક્કા મારી અટકાયતમાં લીધા હતા.

  • સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ
  • કલેક્ટર કચેરીમાં દેખાવો કરતાં આપના મહિલા નેતાઓ-કાર્યકરોની આવેદનપત્ર આપવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ
  • આવેદન આપવા જાય એ પહેલા જ તમામની અટકાયત કરી અઠવાલાઈન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવાયા

મહિલાઓ પર થતાં અત્યાચારોને રોકવા માટે તથા વધતા બળાત્કારોની ઘટનાથી સીધા જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી નારેબાજી કરવાની સાથે સાથે રામધૂન બોલાવી હતી. જેથી પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતાં.

કલેક્ટર કચેરીમાં દેખાવો કરતાં આપના મહિલા નેતાઓ-કાર્યકરોની આવેદનપત્ર આપવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ હતી. જેથી પોલીસે આવેદન પત્ર આપતા પહેલાં જ આપને નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આવેદન આપવા જાય એ પહેલા જ તમામની અટકાયત કરી અઠવાલાઈન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતાં.

સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઇ વાઘાણી, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કામરેજ તા. પં. વિપક્ષ નેતા જે.ડી. કથીરિયા, રિધમ સોલંકી વિગેરની અટકાયત કરવામાં આવી હતી. જે અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. નવરાત્રિ શક્તિની આરાધનાનું પર્વ છે. પરંતુ આ પર્વ વચ્ચે પણ સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી. જેથી નબળા ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું ધરી દેવું જોઈએ.

Most Popular

To Top