સુરત સહિત રાજ્યભરમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ વીજ મીટર વિરૂદ્ધ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ કામરેજ અને સુરત ખાતે પણ સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા અધિકારીઓ સાથે સ્થાનિકો વચ્ચે માથાકુટ થવા પામી હતી.
અધિકારીઓ દ્વારા ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસોને પગલે લોકોમાં પણ વિરોધનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને તાત્કાલિક ધોરણે ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરીએ પહોંચેલા આમ આમદી પાર્ટીનાં નેતાઓએ જણાવ્યું હતું કે, ડીજીવીસીએલ દ્વારા ઘરનાં વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર ફરજીયાત લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંગે વિભાગ દ્વારા અલગ – અલગ સોસાયટીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
અલબત્ત, નોટિસ બાદ પણ સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરી રહેલાં નાગરિકોને કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકીભર્યા કોલ કરવામાં આવી રહ્યા હોવાનો પણ આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
એક તરફ ડીજીવીસીએલ દ્વારા ઘરે ઘરે ડિઝીટલ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારે ફરજીયાત ધોરણે સ્માર્ટ મીટરના નામે દાદાગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં જો વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશનની કામગીરી બંધ નહી કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.