Business

આજીવન કુંવારાં આશા પારેખ

1942નું આઝાદીની ચળવળનું યાદગાર વર્ષ બીજી ઓક્ટોબરનો ગાંધીજીનો અને લાલબહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ. આ પવિત્ર દિવસે અભિનેત્રી આશા પારેખનું 1944ના વર્ષમાં આ ધરતી પર આગમન થયું. આ ગુજરાતી અભિનેત્રીનાં 84 વર્ષ થયાં. આજીવન કુંવારાં આશા પારેખને ‘ગુજરાતમિત્ર’ના શો-ટાઈમ પૂર્તિમાં ઓલ્ડ સ્પાઈસ’ વિભાગમાં યાદ કર્યાં. કેટલીક ઓછી જાણીતી રસપ્રદ વાતો સાથે આ કોલમમાં વિશેષ જાણકારી આપવામાં આવી છે. રાજેન્દ્ર કુમાર સાથે એની સાંઠના દાયકાની વિજયભરની ‘ગુંજ ઊઠી શહેનાઈ’ ફિલ્મમાંથી સંજોગવશાત્ રીજેક્ટ કરવામાં આવેલી આ અભિનેત્રીએ ફરી એક વાર ‘ઘુંઘટ’ ફિલ્મમાં તક મળી હતી.

મોહંમદ રફીનું ‘હુશ્નવાલે તેરા જવાબ નહીં’ ગીત પર એની બ્યુટી સાથે નૃત્યકળાનાં સુંદર દર્શન થયાં હતાં. ક્યારેય એણે અંગ પ્રદર્શન કર્યું નથી. એ જમાનામાં શમ્મીકપુર, જોય મુખરજી, જીતેન્દ્ર શશીકપુર, ધર્મેન્દ્ર, બીશ્વજીત, પ્રદીપકુમાર રાજેન્દ્રકુમાર સાથે અભિનય કરવાની તક મળી. કહેવાય છે કે આશા પારેખની સૌથી વધારે ફિલ્મોએ સિલ્વર જ્યુબિલિ ઉજવી છે. આ ભાગ્યશાળી અભિનેત્રી એક બાબતે કમનસીબ રહી.

એને દિલીપકુમાર અને રાજકપુર સાથે અભિનય કરવાની તક મળી નહોતી. એ જમાનામાં એની નૃત્યકળાને કારણે એની ‘ચૌલાદેવી’ નામની નૃત્યકળા દેશ અને દુનિયામાં બહુ જ લોકપ્રિય બની ગઈ હતી. આ નૃત્યકળાની નાટ્યકથા દ્વારા એણે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. અનેક પ્રકારના પુરસ્કાર પણ મળ્યા હતા. સેવાભાવી હોવાને નાતે એણે એના વતન મહુવામાં ગાર્ડન અને આંખની હોસ્પિટલ બનાવી છે. એક ગુજરાતી હોવાને નાતે આ ગુજરાતી સફળ ગોલ્ડન ગર્લ અભિનેત્રીનું શેષ જીવન સ્વસ્થ અને તંદુરસ્ત રહે એવી શુભેચ્છા.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top