11 ઓગસ્ટના દિવસે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ છે. રક્ષાબંધનને લઈને માર્કેટ તરેહ-તરેહની રાખડીઓથી સજી ચુક્યા છે. જ્યાં જોઈએ ત્યાં રાખડીઓ અને રાખડીઓ જ નજરે પડે છે. દરેક બેનની ઈચ્છા હોય છે કે તે તેના ભાઈને બધાથી હટકે યૂનિક રાખડી બાંધે. આ વખતે પણ રાખડીઓમાં નવી વેરાયટી નવી ડિઝાઇન જોવા મળી રહી છે જેમકે અમેરિકન ડાયમંડ, રુદ્રાક્ષ, કાર્ટૂન, આર્ટિફિશ્યલ ફૂલની રાખડીઓ વિ. કેટલીક બહેનો તો પોતાના ભાઈ માટે ચાંદી, સોના અને રિયલ ડાયમંડની રાખડી પણ ખરીદી રહી છે. શહેરની સુરતીઓ ખાવાના શોખીન છે તેમનો આ ફૂડનો શોખ આ વખતે રક્ષાબંધનમાં પણ જોવા મળશે. જે રાખી તે જ સ્વીટના કનસેપ્ટ પર રક્ષાબંધન ઉજવવાની તૈયારીઓ ભાઈની લાડકી બહેનો કરી રહી છે. ચાલો આપણે સ્વીટ સિસ્ટર્સ પાસેથી જાણીએ કે તેઓ ભાઈના સ્વીટના સ્વાદને કઈ રીતે રાખડીમાં જોડવાની છે.
મારી પ્રાર્થના છે કે કાજુ-કતરી જેવી મીઠાશ મારા ભાઈના જીવનમાં રહે: નિધિ નાવડીવાળા
અડાજણ વિસ્તારમાં રહેતી 21 વર્ષની નિધિ નાવડીવાલાએ જણાવ્યું કે તેનો ભાઈ નીલ તેના કરતાં 5 વર્ષ નાનો છે. ભાઈ નાનો હતો ત્યારે લાઈટવાળી, કાર્ટૂનવાળી રાખડી બાંધતી અને થોડો મોટો થયો એટલે ઓરીજનલ સુખડવાળી, ડાયમંડવાળી રાખડી બાંધતી. ભાઈને સ્વીટમાં કાજુકતરી ભાવે છે એટલે કાજુક્તરીવાળી રાખી બાંધશે અને ભાઈને કાજુકતરી ખવડાવીને ભાઈના જીવનમાં કાજુકતરી જેવી મીઠાશ ભરેલી રહે તેવી કામના કરીશ.
તિરંગા બર્ફીની રાખડી અને તે જ સ્વીટથી મારો પ્રેમ પ્રગટ કરીશ: વંશિકા સુખારામવાળા
અડાજણ વિસ્તારમાં રહેતી 13 વર્ષની વંશિકા સુખારામવાળાનું કહેવું છે કે તે દર વર્ષે તેના માસીના દીકરા ક્રિશિવને અલગ-અલગ પ્રકારની રાખડી બાંધે છે. ભાઈને ક્યારેક મ્યુઝીકવાળી રાખડી તો ક્યારેક છોટા ભીમની રાખડી, બાઇકવળી, લાઈટવાળી રાખડી બાંધે છે. ભાઈ બહુ નાનો હતો ત્યારે તેને ઓટો રીક્ષા બહુ ગમતી એટલે તેણે એક વખત રીક્ષાવાળી રાખડી પણ બાંધી હતી. ભાઈને કાજુ કતરી, સાદા પેંડા અને તિરંગા બર્ફી ભાઈની પસંદની સ્વીટ છે એટલે તિરંગા બર્ફીવાળી રાખડી ભાઈને બાંધશે અને તે જ મીઠાઈથી ભાઈનું મોઢું મીઠું કરીશ.
ફરેરો રોશર ચોકલેટ થીમની રાખડી ભાઈને બાંધીશ: દ્રષ્ટિ તમાકુવાલા
પીપલોદ વિસ્તારમાં રહેતી 21 વર્ષની દ્રષ્ટિએ જણાવ્યું કે તેનો ભાઈ ક્રિશ તેનાથી બે વર્ષ નાનો છે. ભાઈને હંમેશા યૂનિક રાખડી બાંધવાનું તે પસંદ કરે છે. એક વખત તેને પબ્જી ફ્રી ફાયર ગેમની રાખી બાંધેલી. બે વર્ષ પહેલાં મેં કાજુકતરીની આકૃતિ વાળી રાખી બનાવેલી, થર્મોકોલથી ગણપતિવાળી રાખડી પણ બનાવી હતી. આ વખતે ફરેરો રોશર ચોકલેટવાળી રાખડી હું બજારમાં થી લાવી અને ફરેરો રોશર ચોકલેટ ભાઈને ખવડાવીશ. એક વખત મેં ભાઈને નાની લાઈટવાળી રાખડી બાંધી હતી ત્યારે ભાઈ થોડો મોટો થયો હોવાથી તે મજાક-મસ્તીમાં બોલ્યો હતો કે આવી રાખી કેમ બાંધી.
ભાઈને કાજુકતરી ભાવતી હોવાથી કાજુકતરીની રાખી બાંધીશ: નેન્સી વરાડવાલા
અડાજણ વિસ્તારમાં રહેતી 23 વર્ષની નેન્સી વરાડવાલાએ જણાવ્યું કે તેનો ભાઈ પુણેમાં રહીને સ્ટડી કરી રહ્યો છે. ભાઈ-બહેન એક બીજાને ફ્રેન્ડની જેમ જ ટ્રીટ કરે છે અને એક બીજાને સિક્રેટ વાતો પણ શેર કરે છે. ભાઈ રક્ષાબંધન પર સુરત આવવાનો છે. ભાઈને કાજુકતરી ભાવે છે એટલે કાજુ કતરી સ્વીટના થીમ પર કાજુકતરીની રાખી ભાઈને બાંધશે.