સુરત: શહેરમાં આઘાતજનક ઘટના બની છે. યુક્રેનમાં એમબીબીએસની પરીક્ષા પાસ કરી સુરતમાં પરત ફરેલા યુવકનું ડમ્પરની અડફેટે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. યુવાન દીકરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે પ્રતિબંધ હોવા છતાં શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે એક આશાસ્પદ યુવાનને કેવી રીતે કચડી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સારી રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર કટીબદ્ધ છે. સિગ્નલના નિયમનું કડકાથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર જેવા ખાનગી વાહનો ધરાવતા શહેરના નાગરિકો ટ્રાફિકના નિયમોનું સુચારું રીતે પાલન કરી રહ્યાં છે, પરંતુ બીજી તરફ રિક્ષા, બસ, ટ્રક, ટેમ્પો જેવા કમર્શિયલ વાહનોના ચાલકો સુધર્યા નથી. હજુ પણ બેરોકટોક આ વાહનો દોડી રહ્યાં છે. જેના લીધે અકસ્માત જેવી ઘટનાઓને આમંત્રણ મળે છે.
પ્રતિબંધિત સમયમાં શહેરમાં ડમ્પર દોડી રહ્યાં હોવાના લીધે અકસ્માતો થઈ રહ્યાં છે. આવી જ એક ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં ગયા શુક્રવારે બની હતી, જેમાં આશાસ્પદ યુવાનનું કમોત થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી લોકોની સારવાર શરૂ કરે તે અગાઉ તબીબનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક વિવેક મૂળ જૂનાગઢનો વતની છે. તેઓ પરિવાર સાથે હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો. વિવેક બાઈક પર અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિવેકનું મોત નીપજ્યું હતું.
મૃતક ભાઈએ કહ્યું કે,વિવેક યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. તે આગળના અભ્યાસની તૈયારી માટે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો. વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.