સુરતઃ શહેરના રાંદેર ખાતે આવેલા સુલાતાનીયા જીમ ખાનાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતી વેળા ખેલાડીનું મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ચાલુ મેચે ખેલાડીને હાર્ટ એટેક આવતા તે મેદાન પર જ ઢળી પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પટણી સમાજ દ્વારા એક મેગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેરના સુલતાનિયા જીમ ખાના ગ્રાઉન્ડ પર મેચ રમાઈ રહી હતી. ત્યારે એક ખેલાડીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તે મેદાનમાં જ ઢળી પડ્યો હતો. તેનું ક્ષણભરમાં મોત નિપજ્યું હતું.
મૃતકનું નામ મકસુદ અહમદ બુટવાલા હોવાનું જાણવા મળ્યું છે. તે મોન્ટુ સરના નામથી ઓળખાતો હતો. તેની ઉંમર 51 વર્ષ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બુટવાલા ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો. ક્રિકેટ રમતી વખતે પાણી પીધું, ઘૂંટણ પર બેઠો અને બે જ સેકન્ડમાં તે ઢળી પડ્યો હતો.
40 વર્ષીય બે યુવકનાં હૃદયરોગના હુમલાથી મોત
સુરત: શહેરમાં અચાનક મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. ખાસ કરીને યુવાનો ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોવાથી ચિંતાનો માહોલ છે. ગોડાદરા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય બે યુવકનાં બેભાન થયા બાદ મોત થયા હતા. તબીબોએ બંનેના મોત હાર્ટ એટકથી થયા હોવાની શકયતા વ્યકત કરી હતી.
વિસ્તૃત વિગતો મુજબ પંચમહાલનો વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં કિરણચોક પાસે શ્રીહરિ રેતી-કપચી કાર્ટિંગમાં ૪૦ વર્ષીય વિક્રમ લક્ષ્મણભાઇ પરમાર કામ કરીને ત્યાં જ રહેતો હતો. વિક્રમ રાત્રે સૂઇ ગયા બાદ સવારમાં ઉઠયો ન હતો. કાર્ટિંગના માલિકે તેને બેભાન હાલતમાં જોતા કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાનું જણાવતા તેનું મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં વિક્રમનું હૃદયના હુમલાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અન્ય ઘટનામાં મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં દેવી દર્શન સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષિય રણજીત રાજારામભાઇ પ્રજાપતિ ટેક્ષટાઇલ માર્કેટમાં પાર્સલ સિલાઇનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ગુરુવારે રાત્રે રણજીતની તબિયત લથડતા બેભાન થઇને ઢળી પડ્યો હતો.
સારવાર માટે પત્ની પૂનમ હોસ્પિટલમાં લઇને આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. રણજીતનું હૃદયના હુમલામાં મોત થયું હોવાની શક્યતા છે. બંને બનાવોને લઇને સ્થાનિક પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.