SURAT

સુરતના યુવકે બોલેરોના બોનેટ પર જોખમી સવારી કરી વીડિયો વાયરલ કર્યો, પોલીસે પકડતા માફી માંગી

સુરત: આજના યુવાનોને રિલ્સ બનાવવા માટે સ્ટન્ટ કરવાનો જબરો શોખ જાગ્યો છે. ઘણી વખત યુવાનો વીડિયો બનાવવા માટે જીવ જોખમમાં મુકી દેતા હોય છે. પ્રસિદ્ધી મેળવવા કે વટ પાડવા માટે વીડિયો બનાવનાર સુરતના બે યુવકોને પોલીસે કાન પકડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

  • વરસતા વરસાદમાં બોલેરોની જોખમી સવારી
  • બોનેટ પર બેસી પંજાબી ગીત પર રિલ્સ બનાવી
  • રિલ્સ બનાવી વટ પાડ્યો, પોલીસે પકડ્યા તો માફી માંગી
  • સુરતનાયુવકોને સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું

સુરતમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ચોમાસું જામતા લોકો જાત જાતના વીડિયો બનાવી રહ્યાં છે. કોઈ વરસતા વરસાદમાં નાચે છે તો કોઈ ગાડીઓ દોડાવી વીડિયો બનાવે છે. ત્યારે સુરતના બે યુવકોએ વરસતા વરસાદ વચ્ચે બોલેરો પીકઅપ ગાડીની જોખમી સવારી કરી તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરી બંને યુવકોને પકડી માફી મંગાવી છે.

સોશિયલ મીડિયામાં એક વ્હાઈટ કલરની બોલેરો પીકઅપ ગાડીનો વીડિયો વાયરલ થયો હતો. આ બોલેરો રસ્તા પર દોડી રહી છે. એક યુવક બોલેરો ચલાવી રહ્યો છે જ્યારે બીજો યુવક દોડતી બોલેરોના બોનેટ પર બેઠો છે. બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત સરકારી જમાઈ વાગી રહ્યું છે. આ જોખમી સવારીનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસમાં એવી વિગતો બહાર આવી કે આ વીડિયો ભેસ્તાન વિસ્તારનો છે. તેથી ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભેસ્તાન પોલીસે બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રાઈવર શાહરૂખ સફી શેખ (ઉં.વ. 32) અને અનિલભાઈ રાજારામ કાંબલે (ઉં.વ. 25)ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પકડતા બંને યુવકોએ કાન પકડી માફી માંગી હતી.

દરમિયાન પોલીસે લોકોને અપીલ કરી હતી કે પોતાનો કે અન્યનો જીવ જોખમમાં મુકાય તેવા વીડિયો બનાવે નહીં. લાપરવાહી ભારે પડી શકે છે.

Most Popular

To Top