SURAT

સુરતમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવકના મોતની આશંકા, પરિવારનો ગંભીર આક્ષેપ

સુરતઃ એક તરફ ડ્રગ્સ ઇન સિટીનું અભિયાન શહેરમાં ચાલી રહ્યું છે તો બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સુરત શહેરને ડ્રગ્સના સકંજામાં જકડી રહ્યાં હોઈ તેવું ચિત્ર ઉપસ્યું છે. શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. હવે તો વાત એટલી વણસી છે કે શહેરમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત પણ થવા લાગ્યા છે.

સુરતમાં ડ્રગ્સના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના ઉન વિસ્તારમાં રહેતા 32 વર્ષીય નવાઝ ખાન પઠાણનું મોત નિપજ્યું છે. ડ્રગ્સના ઓવરડોઝના લીધે નવાઝ ખાનનું મોત નિપજ્યું હોવાની આશંકા તેના પરિવારજનોને છે. હાલ નવાઝ ખાનની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે.

પરિવારજનોનું કહેવું છે કે નવાઝને છેલ્લાં થોડા સમયથી ડ્રગ્સની લત લાગી હતી. તે છેલ્લા 20 દિવસ થી સતત ડ્રગ્સનો નશો કરતો હતો. ડ્રગ્સ ના ઓવરડોઝ લેવાના કારણે ગત 19 મી જાન્યુઆરીના રોજ તેની તબિયત લથડતા તેણે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબિયતમાં સુધારો ના જણાતા યુવકને તેના પરિવાર દ્વારા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો જ્યાં તબીબો એ યુવકને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. આખરે યુવકનું આજે મોત નીપજ્યું હતું.

નવાઝના પરિવારે જણાવ્યું કે 32 વર્ષીય નવાઝ ખાન પહેલા દારૂ પીતો હતો. છેલ્લા 20 દિવસથી તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. છેલ્લા થોડા દિવસથી વધુ માત્રામાં ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતો. ડ્રગ્સના ઓવર ડોઝના કારણે તેની તબિયત લથડી હતી અને તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો જ્યા, 8 દિવસ ની સારવાર તેનું મોત નીપજ્યું છે.

ત્રણ દીકરી અનાથ થઈ
તે રીક્ષા અને ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેના પરિવાર માં પત્ની અને ત્રણ બાળકીઓ છે. ડ્રગ્સ ના કારણે નવાઝ ખાનનું મોત થયું હોવાનું પરિવારે જણાવ્યું છે. તેના મૃતદેહ ને હાલ પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પરિવારે જણાવેલ હકીકતના આધાર ભેસ્તાન પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકની મોતનું સાચું કારણ બહાર આવશે.

ડ્રગ્સ ક્યાંથી ખરીદયું?
જોકે મહત્વની વાત એ છે કે યુવક ડ્રગ્સનો વ્યસની હતો તો એ ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસે લાવ્યો હતો?? તો બીજી તરફ આ ડ્રગ્સના કારણે ત્રણ માસુમ બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અગાઉ પણ આ ડ્રગ્સ ના કારોબાર ના કારણે ઘણા પરિવારો બરબાદ થઇ ચુક્યા છે. મહત્વની વાત એ છે કે જો ડ્રગ્સના કારણે યુવકનું મોત થયુ હશે તો શુ સ્થાનિક પોલીસ ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરશે??

Most Popular

To Top