Gujarat

સુરતના ગ્રીષ્મા હત્યા કાંડ જેવી ઘટના ભુજમાં બની, યુવકે કોલેજિયન યુવતીનું ગળું કાપ્યું

સુરતના ગ્રીષ્મા હત્યા કાંડ જેવી ઘટના ભુજમાં બની છે. અહીં પાડોશી યુવકે છરીથી ગળું કાપી કોલેજિયન યુવતીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી યુવકને ઝડપી પાડ્યો છે. ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના રિંગરોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી. ત્યારે ગાંધીધામના મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઈક પર આવ્યો હતો અને યુવતીને મળ્યો હતો. તે યુવતી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. મને કેમ બ્લોક કર્યો એવું પૂછ્યું હતું. યુવતીએ જવાબ આપતા કહ્યું, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. યુવતીની વાત સાંભળી મોહિત ઉશ્કેરાઈ ગયો હતો અને છરી યુવતીના ગળા પર ઝીંકી દીધી હતી.

સાક્ષીને બચાવવા તેની મિત્રએ પ્રયાસ કર્યો હતો. ત્યારે મોહિતે સાક્ષીની મિત્રના પીઠ પર પણ છરીના ઘા માર્યા હતા. બંને લોહીલુહાણ હાલતમાં છોડી મોહિત ભાગી ગયો હતો. રાહદારીએ કોલેજમાં ઘટના અંગે જાણ કરતા સંચાલકો બહાર દોડી ગયા હતા અને બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. દરમિયાન આજે શુક્રવારે સવારે સાક્ષીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ તરફ પોલીસે આરોપી મોહિતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર 22 વર્ષીય મોહિત ગાંધીધામના ભરતનગરમાં યુવતીના ઘરની બાજુમાં રહે છે. ભોગ બનનાર યુવતી સાક્ષી હાલ ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહેતી હતી. તે સંસ્કાર સ્કૂલ ખાતે બીસીએનો અભ્યાસ કરતી હતી.

ભુજના ડીવાયએસપી આર.ડી. જાડેજાએ કહ્યું કે સાક્ષી અને મોહિત પડોશીઓ છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. ગઇકાલે મોહિતે સાક્ષીને આદિપુર પરત આવી જવા કહ્યું હતું, જેનો સાક્ષીએ ઈનકાર કર્યો હતો. તેમજ સંબંધ રાખવો નથી એમ કહ્યું હતું. સાક્ષીની માતાને બધી જાણકારી હતી. મોહિતને બ્લોક કરી દેવા સાક્ષીને તેની માતાએ જ સલાહ આપી હતી. સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા તે ઉશ્કેરાયો હતો અને કોલેજ પાસે પહોંચી જઈ ઝઘડો કરી સાક્ષીની હત્યા કરી હતી.

Most Popular

To Top