કાલોલ: કાલોલ તાલુકાના મલાવ-અડાદરા રોડ પર આવેલા ગેંગડીયા ચોકડી પાસે રવિવારે સાંજે રોડ સાઈડમાં ઉભી કરેલી રિક્ષાને અકસ્માત નડતા રિક્ષામાં બેઠેલા એક યુવકનું મોત અને એક યુવકને ઈજા પહોંચી હતી. સમગ્ર અકસ્માત અંગેની વિગતો મુજબ આણંદ જિલ્લાના ભેટાશી (તા. આંકલાવ) ગામના ફરિયાદી સહિત ચાર સગાસંબંધી સવારે એક રિક્ષા કરીને આંબાખૂટ ગામના સગાને ત્યાં બાધા પ્રસંગે આવ્યા હતા જે બાધા પ્રસંગ પતાવીને સાંજે ભેટાશી પરત જતાં આઠેક વાગ્યાના સુમારે ગેંગડીયા ચોકડી પાસેના લાકડાના પીઠા પાસે પેશાબ-પાણી કરવા માટે રોડની સાઈડમાં રિક્ષા ઉભી રાખીને રિક્ષા ડ્રાઇવર અને તેનો મિત્ર નીચે ઉતર્યા હતા. જયારે નરેશ વખતસિંહ પરમાર અને પરેશ નટુભાઈ પરમાર બન્ને રિક્ષામાં જ બેસી રહ્યા હતા. એ સમય દરમિયાન એક પુરજોશમાં ઘસી આવતી મારુતિ ઝેનના ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં બેઠેલા નરેશ અને પરેશ બન્ને રિક્ષામાંથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.
જ્યારે અકસ્માત સર્જીને મારુતિ ઝેનનો ચાલક ભાગી જતા તેની ગાડીનો નંબર જીજે-૧૬ કે ૬૮૯૪ નોંધી લીધો હતો. જ્યારે બીજી તરફ અકસ્માતનો ભોગ બનેલા બન્ને ઈજાગ્રસ્તોના બચાવ માટે તાત્કાલીક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકના મલાવ સ્થિત રેફરલ હોસ્પિટલમાં લઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલના ડોક્ટરે ઈજાગ્રસ્ત પરેશ નટુભાઈ પરમાર (ઉ.વ. ૨૯)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નરેશ વખતસિંહ પરમારને પગના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર ફરાર મારૂતિ ઝેન જીજે-૧૬ કે ૬૮૯૪ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે રિક્ષા રોડની સાઇડ પર હોવા છતાં કાર ચાલક બેફામ રીતે ગાડી ચલાવતા આશાસ્પદ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.